Mysamachar.in: દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના જરૂરી સંસાધનો તેમજ તબીબી અને નર્સિંગ સ્ટાફની ઘટ સર્જાતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જિલ્લાકક્ષાની આ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન માટે અનિવાર્ય એવું એક મશીન છેલ્લા ત્રણેક સપ્તાહથી બંધ હોવાથી અહીં આવતા હાડકાના દર્દીઓને ફરજિયાત પણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડે છે.
જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આવતા ફ્રેકચર, હાડકાના ઓપરેશનના દર્દીઓ માટે જરૂરી એવું આઈ.આઈ.ટી.વી. મશીન ટેકનિકલ કારણોસર છેલ્લા 20-25 દિવસથી બંધ છે. આ મશીન બંધ હોવાથી ઓર્થોપેડિકને લગતુ ઓપરેશન થઈ શકતું નથી.
આ મુદ્દે હોસ્પિટલના સુપ્રીમ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનોજ કપૂર દ્વારા જણાવાયું છે કે છેલ્લે આશરે પચીસેક દિવસથી આઈ.આઈ.ટી.વી. મશીન ચોક્કસ કારણોથી ખરાબ છે. જેના રીપેરીંગ માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંભવતઃ આગામી એકાદ સપ્તાહમાં આ મશીન પુનઃ શરૂ થઈ જાય તેવી શક્યતા છે.
ત્યારે અહીં આવતા દર્દીઓને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, તેઓને ફરજિયાતપણે મોટી રકમ ચૂકવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી અનિવાર્ય બની રહી છે. ત્યારે આ મશીન તાકીદે કાર્યરત થઈ જાય તેવી વ્યાપક માંગ હોસ્પિટલના દર્દીઓમાં ઉઠી રહી છે. મહત્વનું છે કે થોડા દિવસો પૂર્વે જામનગરની જીજી હોસ્પીટલમાં પણ આવી જ તકલીફ જોવા મળી હતી જેનું બાદમાં નિરાકરણ થયું છે.