Mysamachar.in-જામનગર:
જામનગર સહિત હાલારમાં અને આમ તો સમગ્ર રાજ્યમાં નાના શહેરોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ ખુદ લંગડાતી ચાલતી હોય છે, આ સંસ્થાઓ લોકોને શું સુવિધાઓ આપી શકે ? આ નગરપાલિકાઓ સખત નાણાંભીડ અનુભવી રહી છે, એવા અહેવાલો વ્યાપક બન્યા બાદ હવે સરકારે જાહેર કર્યું છે કે, આ 116 પાલિકાઓને બાકી રોકાતી ગ્રાન્ટનો અંતિમ 40 ટકાનો હપ્તો ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે, આ રકમો પણ પાલિકાઓ માટે ‘ચણા-મમરા’ સમાન સાબિત થશે.
સૌરાષ્ટ્ર-કચ્છની 35 સહિત રાજ્યની 116 પાલિકાઓ સખત નાણાંભીડ અનુભવી રહી છે. ઘણી પાલિકાઓમાં કર્મચારીઓના પગાર માટેના પણ નાણાં નથી. આ ઉપરાંત પાલિકાઓએ લાખો કરોડો રૂપિયાના પાણીબિલો અને વીજબિલો સરકારી વિભાગોમાં ભરવાના બાકી છે. નાણાંની ખેંચને કારણે આ પાલિકાઓ નવા કામો હાથ ધરી શકતી નથી. આ નાણાંભીડ ભાંગવા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે પાલિકાઓને બાકી રોકાતી 40 ટકા ગ્રાન્ટનો અંતિમ હપ્તો ચૂકવી આપવા આદેશ કર્યો છે.
આ માટે જે વિગતો જાહેર થઈ છે, તે આંકડા મુજબ જામનગર જિલ્લાની ધ્રોલ પાલિકાને રૂ. 10,32,731 મળશે. જામજોધપુર પાલિકાને રૂ. 39,01,992 આપવામાં આવશે. ઓખા પાલિકાને રૂ. 24,75,875 મળશે અને દ્વારકા પાલિકાને રૂ. 28,52,506 આપવામાં આવશે. જો કે, રાજયભરની પાલિકાઓએ ઘણાં બધાં રૂપિયા સરકારી વિભાગો સહિતના લેણદારોને આપવાના થતાં હોય, આટલી નાની રકમો મળી ગયા બાદ પણ, પાલિકાઓની આર્થિક તંદુરસ્તી સુધરવાની સંભાવનાઓ નથી. અને, આ રકમ સરકારમાંથી આવવાની બાકી જ હતી, તેથી આ નાણાં ખર્ચ કરવાનું આયોજન અગાઉથી જ થયેલું હોય શકે.