Mysamachar.in-ગાંધીનગર:
હાલમાં વર્ગ-1 તથા વર્ગ-2ના ગેઝેટેડ અધિકારીઓ અને IAS તથા IPS અધિકારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર અને જંગમ મિલ્કતો અંગે સરકારના સામાન્ય વહીવટ વિભાગને જાણ કરતું વાર્ષિક મિલ્કતપત્રક આપવું ફરજિયાત છે, એ જ રીતે હવે મહાનગરપાલિકાઓ સહિત સમગ્ર રાજ્યના વર્ગ-3ના સરકારી કર્મચારીઓએ પણ વાર્ષિક મિલ્કત પત્રક સરકારમાં આપવાનું રહેશે.
સરકારના સામાન્ય વહીવટ વિભાગે 13 માર્ચના દિવસે આ આદેશ બહાર પાડ્યો છે, જેમાં જણાવાયું છે કે, વર્ગ-3 ના દરેક કર્મચારીએ વર્ષ 2023 એટલે કે ગત્ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની પોતાની સ્થાવર અને જંગમ મિલ્કતો અંગેનું પત્રક સરકારને આપવાનું રહેશે. આ પત્રક રજૂ કરવાની અંતિમ તારીખ 15-05-2024 જાહેર કરવામાં આવી છે. આ તારીખ અગાઉ આ દરેક કર્મચારીએ ‘કર્મયોગી’ સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે. આ માટે જેતે કચેરીના વડાએ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરીંગ કરવાનું રહેશે.
હાલમાં જે અધિકારીઓ અને કર્મચારીઓએ ‘સાથી’ સોફ્ટવેરમાં પોતાના પત્રક જાન્યુઆરી-2024 સુધીમાં અપલોડ કરી દીધાં છે, તેમણે આ પત્રક પુન: અપલોડ કરવાનું રહેશે નહીં. બાકીના કર્મચારીઓ જો યોગ્ય સમયમર્યાદામાં આ કામગીરીઓ પૂર્ણ નહીં કરે તો તે બાબતને ગેરશિસ્ત લેખવામાં આવશે અને પગાર અટકાવવા સહિતના પગલાંઓ લેવામાં આવશે, એમ સરકારે જણાવ્યું છે.
પોલીસ કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ, પાલિકા તથા મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ તમામ સરકારી બોર્ડ અને નિગમોના કર્મચારીઓએ આ વાર્ષિક મિલ્કતપત્રક યોગ્ય સમય મર્યાદામાં અપલોડ કરવાના રહેશે. અને એ પછી હવે દર વર્ષે આ કામગીરીઓ કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં ઘણાં IAS અને IPS સહિતના તથા અન્ય ગેઝેટેડ અધિકારીઓ સરકારના આ નિયમનું પાલન કરતાં નથી, તેઓ વિરુદ્ધ સરકાર દ્વારા આ ચૂક બદલ શું કાર્યવાહીઓ કરવામાં આવે છે, તેની વિગતો પણ નાગરિકો સમક્ષ જાહેર કરવામાં આવતી નથી.