જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિપક્ષની સક્રિયતા વધતાં શાસકપક્ષની મુશ્કેલીઓ વધી રહી છે. મહાનગર સેવાસદનની દીવાલો પર મોટાં સ્ટીકર ચોંટાડી દેવામાં આવ્યા કે, આ સંસ્થામાં કમિશન ઉર્ફે કટકીની ટકાવારી 40 ટકા છે !! અચરજની વાત એ પણ છે કે, છેલ્લા દોઢબે માસથી વિપક્ષી આક્રમણ થઈ રહ્યું છે પણ શાસકો વળતો પ્રહાર કરી શક્યા નથી !
આજે બપોરે મહાનગર સેવાસદન ખાતે સ્ટેન્ડિંગ કમિટીના દ્વારે વિપક્ષે વધુ એક વખત હલ્લાબોલ મચાવી દીધો. સૂત્રોચ્ચાર થયો. મોટા સ્ટીકર દેખાડવામાં આવ્યા અને મહાનગર સેવાસદનની દીવાલો પર પણ સ્ટીકરના રૂપમાં 40 ટકા કમિશન નું ચિતરામણ પણ થઈ ગયું. શાસકો વિપક્ષના આ આક્રમણનો સામનો શા માટે કરી શકતા નથી ? કે વિપક્ષને ઉશ્કેરીને પોલીસ સાથે ભીડવી દેવાની વ્યૂહરચના છે ? એવો પ્રશ્ન ચર્ચાઓમાં છે.
આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને નગરસેવકો તથા કાર્યકરો દ્વારા આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. વિપક્ષ સ્પષ્ટ રીતે શાસકપક્ષને 40 ટકા કમિશનવાળી પાર્ટી કહી રહ્યો છે. પદાધિકારીઓ કયારેય આ સ્થિતિઓમાં કયાંય દેખાતા નથી, વિપક્ષની સામે અધિકારીઓને ઉભા રાખી દેવામાં આવે છે. શાસકપક્ષ પોતાના કામોમાં વ્યસ્ત અને મશગૂલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે આ સમયે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ સભાખંડમાં ચાલી રહી હતી.
નદી ઉંડી ઉતારવાના કામમાં ભ્રષ્ટાચાર અને ઠેબા ચોકડી નજીક વિશાળ જગ્યાઓ પર કોઈ મોટાં પ્રમાણમાં કચરો ઠાલવી જાય છે તેમાં પણ ભ્રષ્ટાચાર- એવા બે વિષય સાથે આજે વિપક્ષે કમિશનર સમક્ષ રજૂઆત કરી. હવે જોઈએ આગળ કશું થાય છે કે ટાંય ટાંય ફીસ !!