Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકાર વિવિધ સરકારી વિભાગોની પ્રતિષ્ઠાને ચમકાવવા ઈચ્છે છે, ‘દાગી’ અધિકારીઓને ઘરે બેસાડી દઈ વિભાગોને કાર્યક્ષમ બનાવવા ચાહે છે અને ભ્રષ્ટ તથા બેદરકાર અધિકારીઓને પાઠ ભણાવવા ઈચ્છે છે. સરકારે આ સાફસૂફી માટે ઓપરેશન ગંગાજળ અંતર્ગત વધુ પાંચ ઈજનેરોને ધરાર નિવૃત કરી કાયમ માટે ઘરે બેસાડી દેતાં અધિકારીઓના વર્ગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જાહેર થયેલી વિગતો અનુસાર, ભ્રષ્ટ અધિકારીઓને સરકાર બક્ષી દેવાના મૂડમાં નથી અને આવા અધિકારીઓને ધડાધડ ચાલુ નોકરીએ કાઢી મૂકવામાં આવી રહ્યા છે. સરકારના તાજેતરના હુકમ મુજબ, વડોદરા પંચાયત સિંચાઈ વિભાગના જશવંતસિંહ મગનભાઈ પરમાર, સરદાર સરોવર નિગમના પ્રદીપ વજાભાઈ ડામોર, આ જ વિભાગના શૈલેષ પ્રભાતભાઈ દેસાઈ, સુજલામ સુફલામ મહેસાણાના બાબુ રામાભાઈ દેસાઈ અને સુરત સિંચાઈ વર્તુળના અરવિંદ ભીખુભાઈ માહલાને જુદા જુદા કારણોસર કાયમ માટે નિવૃત કરી નાંખવામાં આવ્યા છે.
આ પ્રકારના અન્ય અધિકારીઓની સરકાર યાદી બનાવી રહી છે, જેમાં અન્ય અધિકારીઓના નામો ઉમેરાઈ રહ્યા છે. અધિકારીઓમાં ગભરાટ છે. ખાસ કરીને જે અધિકારીઓ વિરુદ્ધ ખાતાંકીય તપાસ, ACB તપાસ અથવા વિજિલન્સ તપાસ ચાલી રહી છે તેવા અને જે અધિકારીઓ વિરુદ્ધ લોકોમાંથી પુષ્કળ ફરિયાદો અને નારાજગીઓ સામે આવી રહી છે, તે તમામ અધિકારીઓના નામો અને ફરિયાદોની સમીક્ષાઓ થઈ રહી છે.
નોકરી પરથી ઉતારી મૂકાયેલા આ અધિકારીઓ વિરુદ્ધની ખાતાંકીય તપાસ અને ભ્રષ્ટતા અંગેના કેસોની તપાસ ચાલુ રાખવામાં આવશે. આ પ્રકારના અધિકારીઓને ફરજિયાત નિવૃત કરતી વખતે 3 મહિનાના પગાર ભથ્થા આપી છૂટા કરી દેવામાં આવે છે. આ પાંચ અધિકારીઓને 20મી નવેમ્બરે છૂટા કરી દેવાયા. આ અધિકારીઓ વિરુદ્ધ ભવિષ્યમાં જો કોઈ તપાસ કે કેસ થશે તો તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને તેની સજા અને દંડ અલગથી કરવામાં આવશે.