Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના વિવિધ સરકારી વિભાગોની પ્રતિષ્ઠાને જે અધિકારીઓના ‘કરતૂત’ને કારણે બદનામી સહન કરવી પડતી હોય છે, એવા અધિકારીઓને સરકાર સમય અગાઉ ફરજિયાત નિવૃત કરી, કાયમ માટે ઘરે બેસાડી દેવાનું અભિયાન ચલાવે છે-જેને ઓપરેશન ગંગાજળ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે આવા વધુ 2 અધિકારીઓને ઘરે બેસાડી દીધાં છે. બંને પોલીસ ઈન્સ્પેક્ટર છે.
ઓપરેશન ગંગાજળ અંતર્ગત સરકારે સીઆઈડી ક્રાઈમ રેલવે વિભાગના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.વી.બતુલને ફરજિયાત નિવૃતિ આપી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ આ પોલીસ ઈન્સ્પેક્ટર જામનગરમાં પણ નોકરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના પોલીસ ઈન્સ્પેક્ટર વી.જે.ફર્નાન્ડીસને ફરજિયાત નિવૃતિ આપી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારની શાખને છાંટા ઉડે તેવી પ્રવૃત્તિઓ આચરતા આ પ્રકારના અધિકારીઓને કાયમ માટે ઘરે બેસાડી દેતું આ ઓપરેશન ગંગાજળ લોકોમાં ખૂબ લોકપ્રિય છે, કેમ કે લોકો ઈચ્છતા હોય છે કે, આ પ્રકારના ‘દાગી’ અધિકારીઓ વિરુદ્ધ સરકાર કાર્યવાહીઓ કરે. આ ઓપરેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં સરકારે વિવિધ વિભાગોના 10 થી વધુ ‘સાહેબો’ની નોકરીઓ આંચકી લીધી છે. જેને કારણે ઘણાં અધિકારીઓમાં ફફડાટ જોવા મળે છે.