Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના નાઘેડીમાં તાજેતરમાં એક મોટું ઓપરેશન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ ગયું. સોનાની લગડી સમાન મોટી સરકારી જમીન પરના સેંકડો દબાણો થયેલ જે તંત્રને ધ્યાને આવતા આ મામલે ધોરણસરની કાર્યવાહી કરી અને અહી દબાણો દુર કરી દેવામાં આવ્યા છે, કહેવાય છે કે, દબાણો હટાવાયા બાદ જે જમીનો ખુલ્લી થઈ છે તેની બજાર કિંમતો કુલ આશરે રૂ. 200 કરોડ થવા જાય છે.
જામનગર નજીકના નાઘેડી ગામના રેવન્યુ સર્વે નંબરોમાં એક મોટો સરકારી ખરાબો આવેલો છે. ઘણાં સમયથી આ સરકારી અને લગડી જેવી તોતિંગ જમીન કોઈ કોઈ શખ્સોના કબજામાં હતી ! ‘સબ ભૂમિ ગોપાલ કી ‘ નીતિમાં માનતા તત્વોએ અહીં અનેક દબાણો એટલે કે પાકા મકાનો ખડકી દીધાં હતાં !
આ ઉપરાંત વધુ વિગતો મેળવતા જાણવા મળ્યું કે આશરે 100 વીઘાના આ સરકારી ખરાબામાં મરજી મુજબની ‘ખેતી’ કરી, રોકડી કરવામાં આવતી હતી. આ તમામ રહેણાંકો અને ખેતીવિષયક દબાણો હવે દૂર થઈ ગયા છે. આ જમીનોનો સરકારી જંત્રી મુજબનો કુલ ભાવ રૂ. 16 કરોડ આસપાસ માનવામાં આવે છે. પરંતુ નાઘેડી ગામ મહત્વપૂર્ણ ધોરીમાર્ગ પર આવેલું હોય અને આ પંથક રિઅલ એસ્ટેટ દ્રષ્ટિએ રાતદિવસ સતત વિકસી રહ્યો હોય, આ પંથકમાં જમીનોના ‘ખાનગી’ ભાવ સ્વાભાવિક રીતે જ તોતિંગ રહે છે. એ રીતે જોવામાં આવે તો, આ સરકારી જમીનની કીમત અંદાજે રૂ. 200 કરોડનો માનવામાં આવે છે.
આ સમગ્ર ઓપરેશન દબાણ હટાવ જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શનમાં જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બી.એ.કાલરીયા અને જામનગર ગ્રામ્ય મામલતદાર મહેન્દ્ર જે ચાવડાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું છે.