Mysamachar.in-અમદાવાદ:
હાલના સમયમાં પાસપોર્ટ બહુ જરૂરી દસ્તાવેજ બની ગયો છે, ઘણાં બધાં લોકોને તેની જરૂરિયાત રહે છે. વિદેશમાં ભણવા જવું હોય કે નોકરી અથવા બિઝનેસ માટે જવું હોય, ફરવા જવું હોય કે વિદેશમાં લગ્ન સંબંધિત કામ હોય, પાસપોર્ટની જરૂરિયાત દિવસે દિવસે વધી રહી છે, આ પ્રકારના કામોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.અત્યાર સુધી એવી વ્યવસ્થાઓ હતી કે, પાસપોર્ટ કચેરીમાં તમે આધારકાર્ડનું લેમિનેટેડ સ્માર્ટકાર્ડ રજૂ કરી શકતા હતાં. હવે આ સ્માર્ટકાર્ડ નહીં ચાલે,
હવે તમારે પાસપોર્ટ કચેરીમાં આધારકાર્ડ રજૂ કરતી વખતે સૌ પ્રથમ તો આધારકાર્ડની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે, ત્યાંથી આધારકાર્ડ ડાઉનલોડ કરી તેની કલર પ્રિન્ટ કઢાવવાની રહેશે. જો તમારી પાસે આ સ્માર્ટકાર્ડ છે તો પણ તમારે સ્માર્ટકાર્ડ સાથે આ ડાઉનલોડ કરેલી પ્રિન્ટ કલરમાં સાથે આપવાની રહેશે. જો આ પ્રિન્ટ સાથે નહીં હોય તો, પાસપોર્ટ માટે તમારે કચેરીમાં નવી એપોઈમેન્ટ મેળવવાની રહેશે. નવા નિયમ મુજબ આ કલર પ્રિન્ટ હવે આધારકાર્ડ માટે ફરજિયાત બનાવવામાં આવી છે. આખા ગુજરાતમાં આ નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.