My samachar.in:-ભાવનગર
રાજ્યમાં અનેકવાર શાળાથી માંડીને સરકારી ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના મામલા પ્રકાશમાં આવ્યા છે.પરંતુ ભાવનગરની તળાજાની નેસવડ પ્રાથમિક શાળામાં તો પરીક્ષાના પ્રશ્નપત્રો જ ચોરી થઇ ગયાની ફરિયાદ થઇ છે. ધોરણ 6, 7, 8 ના પરીક્ષા પેપર સ્કૂલમાંથી ચોરાયા છે. જેના કારણે, રાજ્યભરમાં ધો 7ની પરીક્ષાના બે પેપર રદ કરવામાં આવ્યા છે.ધોરણ સાતના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપર રદ કરવામાં આવ્યા છે.તારીખ 22 અને 23 એપ્રિલે લેવાનાર વાર્ષિક પરીક્ષાના પેપર રદ કરવામાં આવતા આ મામલે રાજ્યભરમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે.રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ આવી ચોંકાવનારી ઘટના બની છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી ધોરણ સાતની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોની ચોરી થઈ છે. જેની જાણ થયા બાદ આ અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે
પ્રાથમિક શાળામાં તાળા તોડીને રાત્રિના સમયે પેપર ચોરી કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.જે બાદ સ્કૂલનાં આચાર્યએ તળાજા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે બાદ ભાવનગર એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસ ડોગ સ્કવોડ તેમજ શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.શિક્ષણ વિભાગની સૂચના પ્રમાણે, વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આજે તા.22/4/22 અને આવતીકાલે તા.23/4/22ના રોજ યોજાનારી ધોરણ સાતની વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરવામાં આવી છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7ની પરીક્ષા યોજાશે. અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ ચાલુ રહેશે.