Mysamachar.in-
રાજયના લાંચ રૂશવત વિરોધી તંત્રએ વધુ એક પોલીસ અધિકારીને લાંચ લેવાના આરોપસર ઝડપી લીધો છે. આ આખો મામલો આમ તો સુરત ઝોનનો છે પરંતુ આરોપી અધિકારીની ધરપકડ પાટનગરમાં થઈ છે. આ આરોપી અધિકારીની નોકરી CID ક્રાઈમમાં હોવાનું જાહેર થયું છે.
આ મામલાની જાહેર થયેલી વિગતો અનુસાર ACB એ CID ક્રાઈમના એક PSI ની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી છે. લાંચની રકમ રૂ. 40,000 છે. આ છટકું પાટનગર ગાંધીનગરમાં ગોઠવવામાં આવેલું. ગાંધીનગરમાં સહયોગ નામે ઓળખાતી એક વિશાળ જગ્યા છે. આ પરિસરમાં પાર્કિંગ આવેલું છે, જયાં આ ફોજદારની લાંચના આરોપસર ધરપકડ થઈ છે.
જે મામલામાં લાંચની લેતીદેતી થઈ એ મામલો સુરત ઝોનનો હતો. લાંચનું આ છટકું નવસારી ACB એ ગાંધીનગરમાં ગોઠવેલું. CID ક્રાઈમના સુરત ઝોનમાં એક ગુનાના સંદર્ભમાં એક શખ્સના કોમ્પ્યુટર અને મોબાઇલ વગેરે CID ક્રાઈમે કબજે લીધાં હતાં. આ મુદ્દામાલ આરોપીને પરત આપી દેવાના બદલામાં, PSI જગદીશ ચાવડાએ આરોપી પાસે રૂ. 50,000ની માંગણી કરેલી. આ 50,000 પૈકી રૂ. 10,000 અગાઉ આ PSI એ આરોપી પાસેથી લઈ લીધાં હતાં. બાકીના રૂ. 40,000 હું તમને ગાંધીનગરમાં આપીશ એમ કહી આ શખ્સે ACB ની મદદથી આ ફોજદારને લાંચમાં પકડાવી દેવા, ફોજદારને ગાંધીનગર બોલાવ્યા હતાં. જ્યાં આ રકમની લેવડદેવડ વખતે નવસારી ACB ની ટીમ ત્રાટકી અને PSI ચાવડાની લાંચની રકમ સાથે અટકાયત કરી લીધી.