Mysamachar.in:ગાંધીનગર
રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના કેટલાંક શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો વારંવાર બનતાં રહે છે ! છતાં, આ વિષયમાં સંબંધિતો દ્વારા યોગ્ય સાવધાની વર્તવામાં આવતી નથી, પરિણામે આવા ગંભીર બનાવોનું પુનરાવર્તન થતું રહે છે ! આવો વધુ એક બનાવ અમદાવાદમાં બન્યો છે.
અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાન હોસ્પિટલ આવેલી છે, જે પ્રખ્યાત છે. આ ખાનગી અને વિશાળ હોસ્પિટલનાં બેઝમેન્ટમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક આગને ઓલવવા માટે કુલ 31 ફાયરવાન કામે લગાડવામાં આવી હતી. અને 101 ફાયરકર્મીઓ આ આગ બુઝાવવા કામે લાગ્યા હતાં. સતત 9 કલાકની જહેમત બાદ આગ બૂઝાવી શકાઈ હતી. જો કે આ બનાવમાં જાનહાનિ નિવારી શકાઈ હતી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં તમામ 106 દર્દીઓને સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતાં. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન પંકજ રાવલ નામધારી એક ફાયરકર્મી અતિ ગૂંગળામણ અનુભવતો હતો, જેને આઈસીયુમાં સારવાર આપવી પડી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
આ બિલ્ડિંગમાં ભૂતકાળમાં પાર્કિંગ મામલે પણ મોટો વિવાદ થયો હતો. આ હોસ્પિટલમાં બેઝમેન્ટમાં હોસ્પિટલનો વધારાનો સામાન અને ભંગાર ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં આગ ફાટી નીકળી હતી. નિયમ એવો છે કે, બેઝમેન્ટમાં પાર્કિંગ જ રાખી શકાય. ત્યાં બાંધકામ પણ ન કરી શકાય, આ જગ્યાનો પાર્કિંગ સિવાય અન્ય કોઈ ઉપયોગ પ્રતિબંધિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ત્રણેક વર્ષથી રાજ્યનાં વિવિધ શહેરોની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો વારંવાર બની રહ્યા છે. આ મુદ્દે હાઈકોર્ટના આકરાં વલણ પછી સરકારે રાજયની તમામ હોસ્પિટલમાં ફાયર ઓડિટ કરાવ્યું છે. જેનો રિપોર્ટ સરકારમાં જમા કરાવવામાં આવેલો છે. પરંતુ આ રિપોર્ટ બાદ સરકારે જરૂરી પગલાંઓ લીધાં છે કે કેમ ? તેની કોઈ જ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી ! અને આ ઓડિટ રિપોર્ટ અંગે રાજ્યમાં ક્યાંય, કોઈ પણ સ્તરે ચર્ચા પણ થતી નથી !
રાજસ્થાન હોસ્પિટલની આગની આ ઘટના બાદ રાજ્યનાં આરોગ્યમંત્રી અને પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું છે કે, રાજયની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારના ભંગાર અને વધારાની ચીજોનો યોગ્ય નિકાલ, જાળવણી વગેરે યોગ્ય રીતે થાય છે કે કેમ ? તે ચકાસવામાં આવશે. અને આ પ્રકારના બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના સરકારી નિવેદનો દરેક દુર્ઘટના પછી હવામાં તરવા માંડે છે. થોડાં દિવસોમાં બધું ભૂલાઈ જતું હોય છે. અને આ પ્રકારની દુર્ઘટનાઓનું, કમનસીબે, પુનરાવર્તન થતું રહે છે ! કડવી અને વરવી વાસ્તવિકતા આ હોય, સૌએ ગંભીર બનવું પડશે – ખાસ તો સરકારે તથા સંબંધિત અધિકારીઓએ.
– માત્ર ફાયરસેફટી જ એકમાત્ર સંવેદનશીલ મુદ્દો નથી..
સરકારી અને ખાનગી હોસ્પિટલ સહિતની કોઈ પણ બહુમાળી ઈમારતમાં ફાયરસેફટી એકમાત્ર સંવેદનશીલ મુદ્દો નથી. ફાયરસેફટી ઉપરાંત વીજસલામતી પણ મહત્ત્વનો મુદ્દો છે. શા માટે ઈમારતોમાં શોર્ટ સર્કિટની ઘટનાઓ ઉપરાઉપરી બનતી જોવા મળી રહી છે ?! વાયરીંગ સહિતની આ બાબતોનું ક્યાંય ઇન્સ્પેક્શન થતું નથી ?! સરકાર આ માટે એક અલગ વિભાગ પણ નિભાવે છે. આ વિભાગ કશું જ તપાસ્યા વિના NOC આપે છે ?! કે, આ સરકારી વિભાગમાં પણ બેફામ લાલિયાવાડી ચાલી રહી છે ?!
ફાયરસેફટી અને વીજસલામતી ઉપરાંત ઈમારતોનાં બાંધકામનો મુદ્દો પણ આગ સંદર્ભમાં સંવેદનશીલ છે. બાંધકામો એ રીતે થવા જોઈએ કે આગ જેવી ઈમરજન્સી સમયે ઓછામાં ઓછાં સમયમાં લોકો આ ઈમારતની બહાર નીકળી શકે. અને, બાંધકામો એ પ્રકારનાં પણ હોવા જોઈએ કે, આગ અને ભૂકંપ જેવી ઘટનાઓ સમયે ઇમારતોને ઓછામાં ઓછી નુકસાની સહન કરવી પડે. આ પ્રકારની વિવિધ સંવેદનશીલ બાબતો પ્રત્યે, ખાસ સાવધાની કે ગંભીરતા દાખવવામાં આવતી ન હોય, આગ જેવી દુર્ઘટનાનો સમયે સૌએ નોંધપાત્ર પ્રમાણમાં નુકસાની વેઠવી પડે છે અને જાનહાનિનો આંકડો પણ મોટો બનતો હોય છે !