Mysamachar.in-અમદાવાદ
આ વર્ષ રાજ્યમાં 14 જુલાઈ સુધીમાં 269.87મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 32.48% છે. રાજ્યના તમામ તાલુકામાં વરસાદ 1 મીમી થી લઈ 1337 મીમી સુધી નોંધાયો છે. IMD દ્વારા પી.પી.ટી રજુ કરાયુ હતું અને આગામી અઠવાડીયામાં 17થી 23 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે ઉના અને દીવ પંથકમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ સાથે જ ગીર ગઢડા પંથકમાં ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મહત્વનું છે કે આગામી 17થી 23 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે જામનગર શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.