Mysamachar.in-અમદાવાદ
એટીએમ સેન્ટરો કેટલા સુરક્ષિત તે સવાલ વારંવાર એટલા માટે ઉપસ્થિત થાય છે કારણ કે વારંવાર એટીએમ સેન્ટરો તસ્કરોના નિશાન બનતા રહે છે, ત્યારે આવી જ વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી જ્યાં શાહીબાગ હઠીસિંહ ની વાડી સામે આવેલ પંજાબ નેશનલ બેંકના બ્રાન્ચ હેડ મહેશ ચંદ જૈને માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તેમની બેંકના એટીએમ ઇન્ચાર્જ સવારે દસ વાગ્યાની આસપાસ એટીએમ પર ચેક કરવા માટે ગયા હતા. ત્યારે તેમને જોયું તો, એટીએમનું કેસ બોક્ષ અને સ્વાઈપ ડીવાઈસ તૂટેલી હાલતમાં હતું.
જે અંગેની જાણ ફરિયાદીને કરતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં મોડી રાત્રે એક વ્યક્તિ એટીએમમાં આવતો જણાય છે અને તેની પાસે રહેલા કાર્ડ સ્વાઈપ ડિવાઈસમાં નાંખે છે. બાદમાં કાર્ડ કાઢીને તે સ્ક્રુ ડ્રાઇવર મારફતે સ્વાઈપ ડિવાઈસ તોડે છે, અને કેસ બોક્ષનું ઢાંકણું તોડીને પાસવર્ડ ડીવાઈસને તોડવાનો પ્રયત્ન કરે છે. જોકે બીજો એક વ્યક્તિ એટીએમ તરફ આવતો નજરે પાડતા આ શખ્સ ત્યાંથી નાશી જાય છે, ઘટનાની જાણ બેંક દ્વારા પોલીસને કરવામાં આવતા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.