Mysamachar.in-સુરત
છેલ્લા બે દિવસથી અકસ્માતોની જાણે હારમાળાઓ સર્જાવવા લાગી હોય તેમ ગઈકાલે વડોદરા નજીક એક અકસ્માતમાં 11 લોકોના જીવ ગયા બાદ સુરેન્દ્રનગર નજીક એક અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો તો આજે સવારે જામનગર ખંભાળિયા હાઈવે પર મોડપર ખટિયાના પાટિયા નજીક કાર નદીમાં ખાબકતા બે મહિલાઓના મોત નીપજ્યા..ત્યાં જ રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે,.. જેમાં મળતી વિગતો પ્રમાણે કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર નંદાવ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.
હ્યુન્ડાઈ કંપનીની આઈ-20 કાર (આર જે 01 સીસી 7240) મુંબઈથી રાજસ્થાન તરફ જતી હતી. એ દરમિયાન કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ફૂલ સ્પીડમાં દોડતી કાર ડિવાઈડર કુદાવીને રોડની સામેની સાઈડ જતી રહી હતી. બાદમાં સામેથી આવતાં ટ્રક સાથે ધકાડાભેર અથડાતા ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કડૂસલો વળી ગયો હોવાથી કારના પતરા કાપીને બન્ને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.