Mysamachar.in-જુનાગઢ:
નાનામોટાં ધોરીમાર્ગો પર ઘાતક અકસ્માતોની સંખ્યા કોઈ રીતે ઘટાડી શકવામાં આપણે સફળ રહ્યા નથી, બીજી તરફ કમનસીબી એ છે કે, ભયાનક અકસ્માતોની સંખ્યા અને તેમાં જે નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે, તેનો આંકડો સતત રાક્ષસી બની રહ્યો છે. આજે સવારમાં બે મોટર વચ્ચે એક ભયંકર અકસ્માત થયો, એક કાર સળગી ગઈ અને આ ભયાનક અકસ્માતમાં કુલ 7 લોકોના મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે.
હાલમાં જ બહાર આવેલી વિગતો અનુસાર, જૂનાગઢ-વેરાવળ ધોરીમાર્ગ જે કેશોદ-સોમનાથ ધોરીમાર્ગ તરીકે પણ ઓળખાય છે તે ધોરીમાર્ગ પર આ કરૂણ બનાવ બન્યો. આ બનાવ ધોરીમાર્ગ પરના માળિયાહાટીના પંથકમાં ભંડુરી ગામ નજીક બન્યો. બે મોટર વચ્ચે ભયાનક ટક્કર થઈ. જે પૈકી એક મોટરની CNG સિસ્ટમના બાટલામાં જોરદાર બ્લાસ્ટ થયો. આ મોટર સળગી ગઈ. બીજી મોટરનો કચ્ચરઘાણ નીકળી ગયો. બ્લાસ્ટની આ આગને કારણે ધોરીમાર્ગ નજીક આવેલાં કેટલાંક ઝૂંપડામાં પણ આગ લાગી.
આ ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલી એક કારમાં પાંચ વિદ્યાર્થીઓ હતાં, જે પરીક્ષા આપવા જઈ રહ્યા હતાં. બીજી કારમાં બે લોકો હતાં. આ અકસ્માતમાં બંને કારમાં રહેલાં આ તમામ સાત લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. જો કે, ઝૂંપડાઓમાં લાગેલી આગમાં કોઇ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108ની ટીમ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ 7 મૃતદેહને નજીક આવેલાં માળિયા હાટીનાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.