Mysamachar.in-સુરેન્દ્રનગર:
સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં ગોઝારા અકસ્માતોની વણઝાર અટકવાનું નામ લેતી નથી, વધુ ને વધુ અકસ્માત સર્જાઈ રહ્યા હોય, નિર્દોષ લોકો મોતનો શિકાર બની રહ્યા છે. આવો વધુ એક ઘાતક અકસ્માત રાજકોટ-ચોટીલા ધોરીમાર્ગ પર સર્જાયો છે, જેમાં એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજતાં આ પરિવારમાં શોક અને અરેરાટી વ્યાપી ગયા છે. આ પરિવાર પિતૃતર્પણ માટે સોમનાથ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માત ગત્ મોડી રાત્રે સર્જાયો હતો. એક ટ્રક અને પિક અપ વાન અથડાતાં એક જ પરિવારના 4 મહિલાઓના આ અકસ્માતમાં મોત થયા છે. જાણવા મળતી વિગતો અનુસાર, ચારેય મૃતક મહિલાઓ દેરાણી-જેઠાણી થતાં હતાં. આ અકસ્માતમાં 15-16 જેટલાં લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી છે. લીંબડીના શિયાણી ગામનો આ પરિવાર પિતૃતર્પણ માટે સોમનાથ જઈ રહ્યો હતો ત્યારે આ ગોઝારી ઘટના બની.
ચોટીલા-રાજકોટ ધોરીમાર્ગ પર આપા ગીગાના ઓટલા તરીકે ઓળખાતી જગ્યા પાસે, મોલડી ગામના પાટીયા નજીક કોઈ કારણસર એક ટ્રક અને પિક અપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં આ ઘટના બની. જાહેર થયેલી વિગતો અનુસાર, મૃતકોમાં મગજીબેન ગોબરભાઈ રેથરીયા (72), ગલાલબેન કાળુભાઈ રેથરીયા (60), મંજુબેન ઘનશ્યામભાઈ રેથરીયા (65) અને ગૌરીબેન પાંચાભાઈ રેથરીયા (68)નો સમાવેશ થાય છે. તમામ ચારેય મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.