Mysamachar.in-ભાવનગરઃ
ભાવનગરનાં મોણપરમાં 2 સગા ભાઈ પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં એક ભાઇનું સારવાર દરમિયાન મોત થતા ઘટના હત્યામાં પલટાઇ છે. બંને સગા ભાઇ હતા અને તેમના પર તિક્ષ્ણ હથિયાર વડે બે શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મોણપર ગામે નવરાત્રીના ગરબા રમવા જતી બહેનો સામે શું કામ એન્ટ્રી પાડે છે તેમ કહી બે શખ્સોએ છરી-તલવાર જેવા હથિયારો વડે બે સગાભાઇઓ પર જીવલેણ હુમલો કરતા એકની હત્યા થઇ છે. જ્યારે બીજાભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે સમગ્ર મામલે સામ-સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગર જીલ્લાનાં વલભીપુર તાલુકાના મોણપર ગામે રહેતા 35 વર્ષિય ભરવાડ વજુભાઇ લક્ષ્મણભાઇ આલોગોતર અને તેના ભાઇ શેલાભાઇ લક્ષ્મણભાઇ આલગોતર રવિવારની રાત્રે ગામનાં પાદરે ઉભા હતાં. ત્યારે આ જ ગામના ભરત સુરસંગ ચૌહાણ અને ગજેન્દ્ર સુરસંગ ચૌહાણ નામના બે શખ્સો તલવાર, છરી જેવા હથિયારો સાથે આવી 'અમારા બૈરાઓ જતાં હોય છે ત્યારે તમે શું કામ એન્ટ્રી પાડીને નીકળો છો ?' તેમ કહી શંકા રાખી હુમલો કર્યો હતો. આ પ્રાણઘાતક હુમલામાં વજુભાઇ આલગોતરનું મોત નિપજયું હતું. જ્યારે શેલાભાઇને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.