Mysamachar.in-ભાવનગર
રાજ્યની સરકારી નોકરીઓમાં તગડો પગાર હોવા છતાં પણ સરકારી બાબુઓ કટકી કરી લેતા હોય છે, કટકી કરી રીટાયર્ડ થયા બાદ કોઈ કાર્યવાહી ના થાય એવું માનવું નહી… આવો જ વધુ એક કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો છે, જ્યાં ભાવનગર મહાનગરપાલિકાના નિવૃત્ત કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર શુક્લએ પોતાની નોકરીના કાર્યકાળ દરમિયાન કૌભાંડ કરીને પોતાની કાયદેસરની આવક કરતા 78.89 ગણી વધુ મિલકત વસાવ્યાનું એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં ખુલતા આ સમગ્ર પ્રકરણમાં આ અધિકારી સામે 1.03 કરોડની અપ્રમાણસરની મિલકત એકઠી કરી હોવાનો ગુન્હો દાખલ સરકારી કર્મચારીઓમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે,
ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વર્ગ-2ના અધિકારી અને હાલમાં નિવૃત 60 વર્ષીય રાજેન્દ્રભાઇ ગણપતભાઇ શુક્લ સામે થયેલી ફરિયાદ બાદ તપાસ કરવામાં આવતા તેઓએ તા.1 એપ્રિલ,2008થી તા.31 ડિસેમ્બર,2018 દરમિયાનમાં ચેકિંગ સમયગાળામાં પોતાની જાહેર સેવક તરીકે હોદ્દાનો દુરઉપયોગ કરીને પોતાની આવકના રૂા.1,41,48,436ના પ્રમાણમાં તેઓએ કરેલા મિલકત ખર્ચ, રોકાણ વિગેરે મળીને કુલ રૂા.2,45,30,187 થયેલ છે.
આથી વધારાના રૂા.1,03,81,751 એટલે કે 78.89 ટકા જેટલી વધુ મિકલતો વસાવ્યા હોવાના અને ખર્ચ કર્યાનું ફલિત થતા એસીબી, બોટાદના પીઆઇ ઝેડ.જી.ચૌહાણે સરકાર તરફથી ફરિયાદ દાખલ કરી આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકે.ના હોદ્દાનો દુરઉપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ પ્રકારની ગેરકાનૂની રીત રસમો અપનાવી નાણાં મેળવી અપ્રમાણસર સંપત્તિ વસાવી ગુન્હો આચર્યાની ફરિયાદ હાથ ધરી તપાસ શરૂ કરી છે.
ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી રાજેન્દ્ર શુક્લના 2008થી 2018 સુધીના બેન્ક વ્યવહારોને તપાસવામાં આવ્યા છે. જમીની દસ્તાવેજ, મિલકત, સાધનો વગેરે રાજેન્દ્ર શુકલના તેમની પત્નીના,સગા સંબંધીઓના તપાસવામાં આવ્યા છે અને ફોરેન્સિક ફાયનાન્શિયલ રિપોર્ટ કરાવતા રાજેન્દ્ર શુકલની કુલ આવક 1,41,48,436 મળી આવી છે. ખર્ચ 2,45,30,187 રૂપિયાનો મળી આવ્યો છે. જેનો તફાવત 1,03,81,751 રૂપિયા છે. આથી મળેલા તારણ પરથી બેનામી અથવા ગેરકાયદેસર સંપત્તિ હોવાના આધારે ACBએ ફરિયાદી બની આગળની કાર્યવાહી હાથ ધરી છે.