Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS નાં સંયુક્ત ઓપરેશન દરમિયાન ઓખા નજીકના દરિયામાંથી ડ્રગ્સનો તોતિંગ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, એવી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે થયેલી આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઓપરેશન રવિવારે મધરાત બાદ કરવામાં આવ્યું હતું. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સનાં આધારે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમ કહેવાયું છે. ભારતીય કોસ્ટગાર્ડની બે શિપ મીરાં અને અભીક દ્વારા પેટ્રોલિંગ ચાલતું હતું એ દરમિયાન આ આખો મામલો સામે આવ્યો હતો. શરૂઆતમાં આ ઈરાનિયન બોટે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોસ્ટગાર્ડની ટીમોએ ઓખાથી દરિયામાં આશરે 340 કિમી(190 દરિયાઈ નોટિકલ માઈલ)દૂર આ ઈરાનિયન બોટને આંતરી લીધી હતી.
બોટની તલાશી દરમિયાન જાણવા મળ્યું હતું કે, બોટમાં પાંચ શખ્સો હતાં. જે તમામ ઈરાની નાગરિકો છે. બોટમાંથી 61 કિલો હેરોઇન મળી આવ્યું છે. જેની બજારકિંમત રૂ.425 કરોડ દર્શાવવામાં આવી છે. કોસ્ટગાર્ડ દ્વારા કહેવાયું છે કે, આ બોટને ઓખા બંદરે લાવવામાં આવી છે જ્યાં જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં પૂછપરછ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલાં અઢાર મહિના દરમિયાન કોસ્ટગાર્ડ તથા ATS દ્વારા કુલ આઠ વિદેશી બોટમાંથી કુલ 407 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારકિંમત રૂ.2,355 કરોડ આંકવામાં આવી છે.