Mysamachar.in-જામનગર
છેલ્લાં બે વર્ષથી જામનગર અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ખાદ્યતેલોની બજારો વધુ લપસણી બની છે. ગ્રાહકોએ ખાદ્યતેલોની કિંમતોમાં ઉંચા મથાળાં જોયાં છે જેને પરિણામે લાખ્ખો ગૃહિણીઓમાં ભારે નારાજગી જોવા મળે છે. દર વર્ષે મગફળીનું તોતિંગ વાવેતર થાય છે. સરકાર અને મિલરો કરોડો રૂપિયાની મગફળી ખરીદે છે છતાંયે ખાદ્યતેલો ગ્રાહકો સુધી વાજબી ભાવે પહોંચતા ન હોય, સરકારની પ્રતિષ્ઠા આ મુદ્દે સતત ઘટી રહી છે.
ખાદ્યતેલોની ઉંચી કિંમતોને કારણે લાખ્ખો ગૃહિણીઓમાં ભારે કકળાટ છે. ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ચૂક્યા છે. હાલમાં, દીવાળીના તહેવારો પૂર્વે લાખ્ખો ગૃહિણીઓ પરિવારો તથા મહેમાનો માટે વિવિધ પ્રકારના નાસ્તાઓ બનાવવાનાં આયોજનોમાં વ્યસ્ત હોય છે. આ વર્ષે પણ મગફળીનું તથા કપાસનું જંગી વાવેતર થયું છે છતાં પણ તહેવારો ટાણે મિલરોએ ખાદ્યતેલોની બજારો ઉંચકી લીધી છે.
સિંગતેલમાં ડબ્બે રૂ. 15 નો ભાવવધારો ફરી એક વખત ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો વધુ રૂ. 55 નો વધારો દેખાડી રહ્યો છે. ગરીબોનાં તેલ પામતેલમા પણ રૂ. 50 નો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2,940 થયો, કપાસિયા તેલ ડબ્બો રૂ. 2,365 નાં આંકડે અને પામતેલનો ડબ્બો રૂ. 1,625 ની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. જેને કારણે મહિલાઓ અને પુરુષો સૌ કોઈ અકળાઈ ઉઠ્યા છે.
ગરીબ અને મધ્યમવર્ગના લોકો વિવિધ ચીજોમાં ભાવવધારાઓને કારણે ખૂબ જ ચિંતિત છે. સરકારે ટેકાના ભાવે ખરીદેલી લાખ્ખો ટન મગફળી બજારમાં ચોક્કસ સમયે, વાજબી ભાવે ઠાલવવામાં આવે તો ખાદ્યતેલોની બજારોને અંકુશમાં રાખી શકાય એવું ઘણાં જાણકારો કહે છે પરંતુ આ રીતે ભાવનિયંત્રણ થતું કયારેય જોવાં મળતું નથી તેથી લોકોમાં આ આખી રમત પ્રત્યે અનેક પ્રકારની શંકાઓ જોવા મળી રહી છે.