Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બજેટ બેઠક આજે સોમવારે સવારે ટાઉનહોલ ખાતે યોજાઈ હતી જેમાં કરદાતા નગરજનો પર વધારાનો રૂ. 23.50 કરોડનો કરબોજ અગામી નાણાંકીય વર્ષ માટે જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા દ્વારા આજે બજેટ વાંચન કરવામાં આવ્યું હતું, જેને વિપક્ષનાં વિરોધ છતાં શાસકપક્ષે બહુમતીથી મંજૂરી આપી દીધી હતી. કારણ કે, રાજ્યસરકાર દ્વારા આ પ્રકારના નિર્દેશો અગાઉ આપવામાં આવ્યા હતાં.
આજે મેયરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બજેટ બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેન મનિષ કટારિયાએ ગૃહ સમક્ષ બજેટ વાંચન કર્યું હતું. બજેટમાં શાસકપક્ષે આગામી નાણાંકીય વર્ષ 2023-24માં રૂ.975.67ની આવકનો અંદાજ બાંધ્યો છે. અને તેની સામે આ નાણાંકીય વર્ષ દરમિયાન મહાનગરપાલિકા રૂ.1,080.04 કરોડનો ખર્ચ કરવા ચાહે છે એમ દર્શાવવામાં આવ્યું છે. 01-04-2023નાં દિવસે જામનગર મહાનગરપાલિકાની ખૂલતી સિલક રૂ.272.52 કરોડ રહેશે અને વર્ષ આખરે 31-03-2024 નાં દિવસે કોર્પોરેશનની તિજોરીમાં સિલક તરીકે રૂ.168.15 કરોડ હશે એવો અંદાજ શાસકોએ વ્યક્ત કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, બજેટમાં આવક, ખર્ચ, સિલકના જે આંકડાઓ દર્શાવવામાં આવતાં હોય છે તે આંકડાઓ રિવાઈઝડ બજેટ તરીકે વર્ષનાં નવ માસ બાદ ફરી જતાં હોય છે. અને એ સુધારેલા આંકડાઓ પણ વર્ષ આખરે સાચાં પડતાં હોતાં નથી ! પાછલાં વર્ષોમાં આ પરંપરા જોવા મળી છે. બજેટ સ્પીચમાં ચેરમેને આ વધારાનાં કરબોજને ‘નજીવો’ વધારો લેખાવતા જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકા આગામી વર્ષમાં મહાનગરપાલિકાનાં લોક ભાગીદારીનાં કામોમાં કોર્પોરેશનનાં ફાળા પેટે 10 થી 30 ટકાની જે રકમ જોગવાઈ કરવાની થાય છે, તે અન્વયે સ્ટેન્ડિંગ કમિટીએ પુખ્ત ચર્ચા-વિચારણા કરી ટેકસમાં ફેરફાર સાથે નજીવો વધારો સૂચવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, વિવિધ દરખાસ્તો સાથે કમિશનર દ્વારા ડ્રાફ્ટ અંદાજપત્રમાં નગરજનો પર વધારાનો રૂ.53 કરોડનો કરબોજ વધારવા ભલામણો કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ આ વધારાનો કરબોજ રૂ.23.50 કરોડ રાખવા સૂચવ્યું છે જેને આજે શાસકપક્ષે બહુમતીથી મંજૂરી આપી દીધી છે.
આગામી સમયમાં તમામ મિલ્કતોના લઘુત્તમ મિલ્કત વેરા દર વધશે. આ ઉપરાંત મોટાભાગની મિલ્કતોના ભારાંકનાં દરો પણ વધશે. જેને પરિણામે વિવિધ પ્રકારની મિલ્કતોના ધારકોએ કુલ વેરાવધારો સહન કરવાનો રહેશે. આ ઉપરાંત શાસકપક્ષે ત્રણ નવા વધારાનાં ચાર્જ, જે કમિશ્નરે સૂચવેલા તેમાં નજીવા ફેરફાર સાથે, માન્ય રાખ્યા છે. એટલે એટલાં પ્રમાણમાં કરદાતાઓની જવાબદારી વધશે અને મહાનગરપાલિકાની આવકમાં વધારો થશે. ટૂંકમાં, ગત્ વર્ષની સરખામણીએ આગામી નાણાકીય વર્ષમાં નગરજનોએ વધારાનાં રૂ.23.50 કરોડ મહાનગરપાલિકાને ચૂકવવાના થશે.
આ વધારા પૈકીનો દરેક મિલકતધારક પરનો વાર્ષિક રૂ.200 નો સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જ દરેક નગરજનોને આકરો પડશે, એવી પણ ચર્ચા છે. વોટર ચાર્જની વાત કરીએ તો, ઘરવપરાશના 15 મિમી કે તેથી ઓછાં ડાયામીટરની પાણીની લાઈન ધરાવતાં ફિક્સ નળ કનેકશન માટે અત્યાર સુધી વાર્ષિક રૂ.1,150 ચાર્જ હતો તે વધારીને રૂ.1,500 કરવામાં આવે એવું કમિશ્નરે સૂચવ્યા પછી આજની બજેટ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના સૂચન મુજબ આ વોટર ચાર્જ વાર્ષિક રૂ.1,300 કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફલેટધારકો પાસેથી દર 1,000 લિટર પાણીનાં ઓછામાં ઓછાં રૂ.70 વોટર ચાર્જ તરીકે લેવામાં આવતાં હતાં તે હવે પહેલી એપ્રિલથી રૂ.80 લેવામાં આવશે. એ જ રીતે સ્લમ વિસ્તારોમાં વોટર ચાર્જ રૂ.575 હતો તે વધારીને રૂ.650 કરવામાં આવ્યો છે.
કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં નવો ગ્રીનરી ચાર્જ તથા ફાયર ચાર્જ સ્લેબમાં સૂચવવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીએ ભલામણ કરી હતી કે, સ્લેબ નહીં પણ ફિક્સ ચાર્જ લેવામાં આવે અને એ મુજબ આગામી એપ્રિલથી આ બંને નવા ચાર્જ ફિક્સ ચાર્જ તરીકે નગરજનો પાસેથી વસૂલવામાં આવશે.
-જામનગર સ્માર્ટ સિટી સ્પર્ધામાં કેટલામાં નંબરે ?!
થોડાં દિવસો પહેલાં જામનગર મહાનગરપાલિકાએ આંકડાઓ સાથે જાહેર કર્યું હતું કે, સ્માર્ટ સિટી 2.0 અન્વયે દેશનાં કુલ 266 શહેરો પૈકી ગુજરાતમાં નગરજનો પાસેથી ફીડબેક મેળવવામાં જામનગર સુરત અને અમદાવાદ પછી ત્રીજા ક્રમે આવ્યું છે. આજે બજેટ બેઠકમાં કોર્પોરેશન કહે છે: આ સ્પર્ધામાં 100 ગુણ પ્રાપ્ત કરી જામનગરે ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
-ગેરકાયદે દબાણોમાં જ્ઞાતિવાદને મામલે શાશકપક્ષ અને વિપક્ષ આવ્યા આમને સામને…
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં, બજેટ રજૂ થયા બાદ શરૂ થયેલ ચર્ચાને લઈને બોર્ડમાં ભારે ગરમાવો આવ્યો હતો, પૂર્વ વિપક્ષ નેતા અસ્લમ ખીલજીએ ગેરકાયદે દબાણોના મામલામાં જ્ઞાતિવાદ રાખવામાં આવતો હોવાની ચર્ચા કરતા આ નગરસેવકને મેયરે માફી માંગવા જણાવ્યું હતું, તો આ મામલે થોડીવાર પૂરતા શાસક અને વિપક્ષના કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા જે બાદ સ્ટે.ચેરમેન મનીષ કટારીયા અને વિપક્ષ નેતા ધવલ નંદાએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો અને બોર્ડમાં ફરી બજેટલક્ષી ચર્ચા શરૂ થઇ હતી.