Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાનું 6 વર્ષ અગાઉનું શૌચાલય કૌભાંડ વધુ એક વખત ગાજયું છે. કૌભાંડ થયેલું તે સમયના ચીફ ઓફિસરે વડી અદાલતમાં પોતાનો આ બાબતે ‘છૂટકારો’ થઈ જાય તે માટે પ્રયાસ કર્યો પરંતુ અદાલતમાં એમને રાહત મળી નથી. આગામી સમયમાં આ શૌચાલય કૌભાંડ ઓખામાં નવેસરથી ગાજશે, એમ માનવામાં આવી રહ્યું છે.
ઓખા નગરપાલિકાએ જેતે સમયે નિર્મળ ગુજરાત શૌચાલય યોજના દાખલ કરેલી. આ યોજના અંતર્ગત ઓખામાં કેટલાંક શૌચાલયનું નિર્માણ થયેલું. પાલિકામાં શૌચાલય નિર્માણના બિલો રજૂ થયા હતાં. જેતે સમયે ચીફ ઓફિસર વિરુદ્ધ, આ બિલો મંજૂર કરવાની પ્રક્રિયાઓમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયેલો. ત્યારબાદ, તે અધિકારીએ વડી અદાલતમાં એવી માંગ કરી હતી કે, આ આક્ષેપોમાંથી તેમને મુક્તિ આપવામાં આવે. પરંતુ અદાલતે તત્કાલીન ચીફ ઓફિસરની આ માંગ ઠુકરાવી દીધી છે. જેતે સમયે એવો આક્ષેપ થયેલો કે, આ યોજના અંતર્ગત જેતે જગ્યાઓ પર શૌચાલયો બન્યા છે કે કેમ, તેની સ્થળ તપાસ એટલે કે વેરિફિકેશન કર્યા વગર આ બિલો પાસ કરી દેવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉપરોકત આક્ષેપો બાદ 2018ની સાલમાં લાંચ રૂશવત વિરોધી શાખાએ કેટલાંક લોકો વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. આ ફરિયાદમાં ઓખા નગરપાલિકાના તત્કાલીન ઈન્ચાર્જ ચીફ ઓફિસર જયેશ પટેલનું પણ નામ હતું. જે અનુસંધાને જયેશ પટેલએ હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી, પોતાનું નામ ACBની આ ફરિયાદમાંથી પડતું મૂકવામાં આવે, એવી માંગ કરી હતી. પરંતુ અદાલતે આ પિટિશન જ કાઢી નાંખી. આમ, તત્કાલીન ઈન્ચાર્જ ચીફ ઓફિસરને આ મામલામાં રાહત મળી શકી નથી.
વડી અદાલતે કહ્યું: વિભાગના વડા અને જવાબદાર અધિકારી તરીકે, ત્યારે તમારી ફરજ એ હતી કે, સ્થળ પર શૌચાલયોની શું સ્થિતિ છે, તે તમારે વેરીફાઈ કરવું જોઈએ. તમારાં સમક્ષ સંબંધિત વ્યક્તિએ જે રિપોર્ટ દાખલ કર્યો હોય, તેના પર તમારે આંધળો વિશ્વાસ ન મૂકવો જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, જેતે સમયે ACB દ્વારા દાખલ થયેલી ફરિયાદમાં ગુનાહિત કાવતરાંની કલમનો પણ ઉલ્લેખ હતો. વિશ્વાસઘાત તથા છેતરપિંડી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની કલમો પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવી હતી. આ શૌચાલયો જેતે સમયે સરકારી યોજના અંતર્ગત ગરીબો માટે બનાવવામાં આવેલાં. ફરિયાદમાં કહેવાયેલું કે, કેટલાંક સ્થળો પર શૌચાલય બન્યા ન હતાં અને ખોટાં બિલો રજૂ થયા હતાં. અને, આવા બિલોના બદલામાં અયોગ્ય રીતે સરકારના નાણાંનું ચૂકવણું થયેલું. આ મામલામાં તત્કાલીન ઈન્ચાર્જ ચીફ ઓફિસરે વડી અદાલતમાં એમ રજૂઆત કરેલી કે, પોતે આ બાબતમાં નિર્દોષ છે.
આ અધિકારીએ વડી અદાલતમાં એમ પણ કહ્યું કે, જેતે સમયે આ કામ કરનાર સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાએ એમના સમક્ષ બિલો મૂક્યા હતાં અને તેમણે ભરોસો રાખી આ બિલો મંજૂર કરવા સહી કરી આપી હતી. અધિકારીએ એવી પણ દલીલ કરેલી કે, શૌચાલય નિર્માણ સ્થળ પર જઈ તેનું ફિઝિકલ વેરિફિકેશન કરવું તેમની ફરજમાં નથી આવતું. મેં તો માત્ર ગ્રાન્ટ કલીયરન્સ માટે સહી કરી હતી. મારો અન્ય કોઈ ઈરાદો ન હતો.
જો કે અદાલતે કહ્યું: સ્થળ પર નિર્માણ વેરિફિકેશન કરવું અને ત્યારબાદ જ સબમિટ થયેલાં રિપોર્ટ પર સહી કરવી, એ અધિકારીની ફરજનો એક ભાગ છે. અદાલતે પોતાના હુકમમાં સ્પષ્ટ રીતે કહ્યું કે, અધિકારી સમક્ષ રજૂ થયેલાં રિપોર્ટમાં સ્થળ પરના બાંધકામના ફોટોગ્રાફસ પણ નથી. આ સ્થિતિમાં, સ્થળ તપાસ વિના જ રિપોર્ટ માન્ય કરવો, અધિકારીની ગુનામાં શંકાસ્પદ ભૂમિકા છે તેવું સૂચિત કરી શકે છે. આ તકે અધિકારીએ એવી પણ દલીલ કરેલી કે, ફરિયાદ વિલંબથી થઈ છે. વર્ષો બાદ ચાર્જશીટ દાખલ થઈ શકે નહીં.
આ મામલામાં સરકાર તરફથી એવી દલીલ થઈ હતી કે, તપાસ કરનાર અધિકારી 4,032 શૌચાલય પૈકી માત્ર 334 શૌચાલયની તપાસ કરી શક્યા હતાં, જે પૈકી 27 શૌચાલયનું નિર્માણ થયું જ ન હતું. આ માટેના પંચનામા પણ તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાંક કિસ્સાઓમાં માત્ર દીવાલ બનાવવામાં આવી છે. અથવા, કેટલાંક કિસ્સાઓમાં માત્ર પાર્ટીશન ફીક્સ કરવામાં આવ્યા હતાં. યોજના મુજબ બાંધકામ નથી. અદાલતે કહ્યું: અમે તપાસમાં અવરોધ ઉભો થાય એવું ઈચ્છતા નથી. આખી FIR વાંચવાથી સમજી શકાય છે કે, ગુનો બન્યો છે. FIR બદઈરાદાથી કરવામાં આવી છે, એવું આ અધિકારી સાબિત કરી શક્યા નથી, એમ પણ વડી અદાલતે પોતાના હુકમમાં કહ્યું.(symbolic image)