Mysamachar.in: રાજકોટ
શહેરોમાં તથા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર જિવલેણ અકસ્માતોની પરંપરાને અટકાવી શકાતી નથી, અંકુશમાં પણ આવતી નથી. જેને પરિણામે કાયમ માટે નિર્દોષ લોકોનો બલિ ચઢતી રહે છે અને અકસ્માત સર્જનારાઓ બીજી તરફ સજાઓમાંથી બચી પણ જાય છે. કાયદાની કોઈ જ ધાક નથી. વાહનચાલકો બેફામ છે. કાલે સોમવારે રાત્રે રાજકોટ-ચોટીલા નેશનલ હાઈવે પર વધુ એક ઘાતક અકસ્માત સર્જાઈ ગયો, 3 જિંદગીઓ મોતનો શિકાર બની ગઈ.
આ ગમખ્વાર અકસ્માતની પ્રાથમિક વિગતો એવી છે કે, એક મહિલા દર્દીને રાત્રે સાડા દસ આસપાસ ચોટીલાથી ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ લાવવામાં આવી રહ્યા હતાં, ત્યારે આ અકસ્માત સર્જાયો. ચોટીલાની સરકારી એમ્બ્યુલન્સ વરધીમાં હોવાથી આ દર્દીને ખાનગી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવતાં હતાં. ચોટીલાના સરકારી દવાખાને આ મહિલા દર્દીને જરૂરી સારવાર ઉપલબ્ધ ન થતાં તેમને રાજકોટ મોકલવામાં આવ્યા અને આ ગંભીર અકસ્માત સર્જાઈ ગયો.
અકસ્માતનો ભોગ બનેલી આ એમ્બ્યુલન્સમાં રહેલાં મહિલા દર્દી ચોટીલા તાલુકાના રાજપરા ગામના 35 વર્ષના કાજલબેન હરેશભાઈ મકવાણા છે. ચોટીલાની રેફરલ હોસ્પિટલના તબીબોએ તેઓને વધુ સારવાર માટે રાજકોટ જવા કહેલું. આ એમ્બ્યુલન્સમાં દર્દીની સાથે દર્દીના બહેન ગીતાબેન જયેશભાઈ મિયાત્રા અને દર્દીની 18 વર્ષની પુત્રી પાયલ હરેશભાઈ મકવાણા પણ હતી. આ અકસ્માતમાં ગીતાબેન તથા પાયલ અને એમ્બ્યુલન્સ ચાલક વિજય જીવાભાઈ બાવળિયા (ઉ.વ.40, રહેવાસી ચોટીલા)ના મોત થયા છે.આ ગમખ્વાર અકસ્માત ચોટીલા-રાજકોટ ધોરીમાર્ગ પર આપા ગીગાના ઓટલા નજીક સર્જાયો હતો. એમ્બ્યુલન્સ તથા ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થતાં રાત્રિના અંધકારમાં ધોરીમાર્ગ પર મોતની ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી.