Mysamachar.in:ગાંધીનગર
સમગ્ર રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી છેલ્લાં કેટલાંક સમયથી વિલંબમાં છે. એવું દેખાઈ રહ્યું છે કે, ફાઈનલ મેરીટ લિસ્ટ તૈયાર હોવા છતાં હજુ આ ભરતીમાં વિલંબ થશે. સેંકડો ઉમેદવારો આ ભરતી અને ખાસ કરીને જિલ્લા પસંદગીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ પ્રક્રિયા ઝડપથી આગળ વધે એવું હાલ તો દેખાતું નથી ! સરકારે વિદ્યા સહાયક માટેનું ફાઈનલ મેરીટ લિસ્ટ ઘણાં દિવસોથી તૈયાર રાખ્યું છે. ઉમેદવારો જિલ્લા પસંદગીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ શિક્ષકોની બદલીઓ માટેનાં કેમ્પ ચાલી રહ્યા છે અને આ કેમ્પ સંદર્ભે એક કેસનો હજુ નિકાલ આવ્યો નથી. ત્યાં સુધી બદલી કેમ્પની કાર્યવાહી આગળ વધી શકે નહીં અને તેને કારણે વિદ્યા સહાયક માટેની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ આગળ વધી શકે નહીં ! આ પ્રકારની ગૂંચને કારણે ભરતી સમિતિએ સરકારને અભિપ્રાય આપવા પત્ર પણ લખ્યો છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, શિક્ષકોની બદલીઓ અંગેનો કેસ કોર્ટમાં હજુ અનિર્ણિત હોવાથી વિદ્યા સહાયક માટેની જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાલ હાથ ધરી શકાય તેમ નથી. અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠ માટે વિદ્યા સહાયકની સામાન્ય 1,924 જગ્યા અને ઘટની 676 જગ્યાઓ ભરવા માટે કુલ 2,600 જગ્યાઓ પર વિદ્યાસહાયકોને નિમણૂંક આપવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે પરંતુ પ્રાથમિક શિક્ષકોનાં બદલી કેમ્પમાં થયેલાં વિલંબને કારણે આ સમગ્ર ભરતી પ્રક્રિયા હાલ ઠપ્પ થઇ ગઇ છે.