Mysamachar.in-રાજકોટ:
આ વખતે શાસકપક્ષનું સદસ્યતા અભિયાન, ગામેગામ વિવાદોમાં અને ચર્ચાસ્પદ રહ્યું છે. ઘણાં બધાં એવા લોકોને ‘છેતરી’ ને પક્ષના સદસ્ય બનાવી દેવામાં આવ્યા, જેમને ખરી હકીકતની અગાઉથી જાણ જ ન થવા દીધી. જો કે, આટલી મથામણ બાદ પણ શાસકપક્ષ નવા સદસ્ય નોંધવામાં ટાર્ગેટ સુધી પહોંચી શક્યો નથી અને રોજ નવા વિવાદો બહાર આવી રહ્યા હોય, પક્ષની સંગઠન પાંખ સતત બચાવની ભૂમિકામાં રહેવા મજબૂર બની ગઈ છે.
રાજકોટમાં તો શાસકપક્ષે તમામ મર્યાદાઓ અને શરમ- નેવે મૂકી દીધી. અડધી રાતે, ઓપરેશન કરાવેલા દર્દીઓને છેતરીને પક્ષના સભ્ય બનાવી દીધાં. આ સમગ્ર ઘટનાનો યુવાને વીડિયો વાયરલ કરી દેતાં, સમગ્ર રાજ્યમાં ‘ શરમ…શરમ..’ ના ઉદગારો સાંભળવા મળી રહ્યા છે.
રાજકોટમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ આખા રાજ્યમાં જાણીતી છે, જ્યાં હજારો લોકોની આંખોના મોતિયોના ઓપરેશન થાય છે. અને, એ પણ વિનામૂલ્યે તથા સુવિધાઓ સાથે. આ હોસ્પિટલના વોર્ડનો વીડિયો કમલેશ ઠુમરે કર્યો છે. આ મહાશય જૂનાગઢના ખલીલપુર રોડ વિસ્તારમાં વસવાટ કરે છે.
આ હોસ્પિટલમાં મધરાતે એક યુવક આવ્યો હતો. તેણે સૂતેલાં દર્દીઓને ઉંઘમાંથી ઉઠાડી ઉઠાડી, ઓટીપી માંગી માંગી, આ સેંકડો દર્દીઓને ભાજપાના સદસ્ય બનાવી દીધાં. કમલેશ ઠુમર ખુદ આ હોસ્પિટલમાં મોતિયો ઓપરેશનના દર્દી છે. તેમણે કહ્યું: અહીં 300-350 જેટલાં દર્દીઓ છે. રાત્રે અગિયાર આસપાસ એક યુવકે બધાંને વારાફરતી ઉંઘમાંથી ઉઠાડી, મોબાઈલ નંબર લીધાં, ઓટીપી ની લેતીદેતી થઈ અને બધાંને ભાજપાના સભ્ય બનાવી દેવામાં આવ્યા. દર્દીઓને શરૂઆતમાં એમ હતું કે, ઓપરેશન કે સારવાર સંબંધે હોસ્પિટલ સ્ટાફ દ્વારા મોબાઈલ નંબર માંગવામાં આવતાં હશે. પછી સૌને ખબર પડી કે, ખેલ પડી ગયો. કમલેશ ઠુમર કહે છે: મેં આ યુવકનો આ કામનો વીડિયો ઉતારી લીધો. આ રીતે, આ યુવકે વોર્ડમાં અધરાતે આશરે 200-250 દર્દીઓને, ઉંઘમાંથી ઉઠાડી, ભાજપાના સદસ્ય બનાવી દીધાં !!