Mysamachar.in-જામનગર:
જામનગરમાં એક તરફ વિકાસની વાતો ખોડંગાતી ચાલી રહી છે અને બીજી તરફ મહાનગરપાલિકામાં બઢતીનો અધિકાર ધરાવતાં કેટલાંક અધિકારીઓને યોગ્ય સમયે બઢતીઓ આપવામાં આવતી ન હોય- સમગ્ર કોર્પોરેશનમાં ઘણાં બધાં અધિકારીઓ અને કર્મચારીઓની બઢતીની ‘સાયકલ’ને બ્રેક લાગી ગઈ હોવાનું અત્યંત આધારભૂત સૂત્રમાંથી જાણવા મળી રહ્યું છે.
મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાંક સમયથી સીધી ભરતીઓ માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે. પરંતુ એમ જાણવા મળે છે કે, 6/8 મહિનાઓથી અધિકારીઓની બઢતીની ફાઈલ પર કોઈ ‘સકારણ’ પલાંઠી લગાવી બેસી ગયું છે. એક તરફ રાજ્ય સરકારની પ્રાથમિકતા એવી રહી છે કે, જવાબદાર સ્થાનો પર અધિકારીઓની જગ્યાઓ ખાલી ન રહે, કોઈ અધિકારીઓને ચાર્જ આપવામાં આવ્યા હોય તો તે ખાલી જગ્યાઓ પર ભરતીઓ પણ કરવામાં આવે અને કામગીરીઓને ગુણવત્તાયુક્ત બનાવવામાં આવે. પરંતુ મહાનગરપાલિકામાં સેટઅપ મુજબ પણ બઢતીઓમાં વિલંબ થઈ રહ્યો હોય, આગામી સમયમાં શક્ય છે કે, અધિકારીઓ અને કર્મચારીઓ આ મુદ્દે મ્યાનમાંથી વિરોધની ‘તલવાર’ બહાર ખેંચી કાઢે અને શાસકો પર દબાણ લાવી શકે.
મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકોના એજન્ડામાં શાસકપક્ષ દ્વારા બઢતીની ફાઈલો સમાવવામાં આવતી નથી અને અન્ય પરચૂરણ કામોનો તેમાં સમાવેશ કરવામાં આવતો હોય, અધિકારીઓમાં પણ આ મુદ્દે નારાજગીઓના સૂરો ખાનગીમાં વ્યક્ત થઈ રહ્યા છે. મહાનગરપાલિકાના અડધો ડઝન જેટલાં મહત્વપૂર્ણ અધિકારીઓની બઢતીઓની ફાઇલ આ રીતે ‘દબાવી’ રાખવા પાછળ પણ કોઈ ‘ગણિત’ હોવાનું બહાર આવી રહ્યું છે ! આ કારણથી હાલ કોર્પોરેશનમાં વાતાવરણ ‘સારૂં’ ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. દરમ્યાન, આગામી 19મી એ જનરલ બોર્ડની બેઠક છે, જેમાં પણ આ મુદ્દો સમાવિષ્ટ ન હોય, 19મી એ- એ પહેલાં અથવા એ પછી, કોર્પોરેશનમાંથી કોઈ નવા ‘સમાચાર’ બહાર આવવાની સંભાવનાઓ જોવા મળે છે. ખરેખર તો, શહેરના હિતને ખાતર વિપક્ષે પણ આ પ્રકારની બાબતો પર ફોક્સ કરવું જોઈએ, એવી પણ ચર્ચાઓ છે.