Mysamachar.in-જામનગર:
જામનગરના બ્રાસ સહિતના ઉદ્યોગ અને અન્ય ધંધામાં અન્ય શહેરોની માફક વર્ષોથી કરચોરીઓ ધમધમી રહ્યાની ચર્ચાઓ વચ્ચે હવે, અમદાવાદથી GST વિભાગે સત્તાવાર જાહેરાત કરી કે, જામનગરમાં રૂ. 560 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચરી આરોપી દ્વારા રૂ. 112 કરોડની ‘ઉચાપત’ કરવામાં આવી છે એટલે કે સરકારમાંથી ખોટી રીતે વેરાશાખ (ITC) જમા લઈ લેવામાં આવી છે.
GST વિભાગે આપેલી માહિતી અનુસાર, આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ આરોપી C.A. અલ્કેશ પેઢડીયા છે. ગુપ્ત રીતે મળેલા ઈનપુટના આધારે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. બાદમાં 3 ઓક્ટોબરથી જામનગરમાં બ્રહ્મ એસોસિએટ્સ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ જગ્યા હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી છે, આ પેઢીમાં અલ્કેશ ભાગીદાર છે અને આ પેઢી તે પોતાના નિવાસસ્થાને ચલાવે છે.
આ ઓપરેશનમાં સમગ્ર ગુજરાતની 27 ટીમ જોડાઈ હતી. આ કૌભાંડમાં 14 પેઢીના નામ છે, આ પેઢીઓના માલિકો ખરાં કરદાતાઓ નથી એટલે કે આ પેઢીઓ બોગસ ઉભી કરવામાં આવી હતી. આ પેઢીઓ દ્વારા માલસામાનની ખરીદી કે હેરફેર કરવામાં આવી નથી, માત્ર બિલોની જ એન્ટ્રી થઈ છે. જે કરદાતાઓની પેઢીઓમાં આ ખેલ પાડવામાં આવ્યા, એ કરદાતાઓ કહે છે: અમને આ ખેલની ખબર નથી આથી અમારી સાથે વિશ્વાસઘાત થયો છે એવી અમે પોલીસ ફરિયાદ દાખલ કરાવીશું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ બુધવારે રાત્રે અલ્કેશ વિરુદ્ધ રૂ. 2.93 કરોડની અને ગઈકાલે રાત્રે રૂ. 3.70 કરોડની વિશ્વાસઘાતની 2 FIR જામનગરમાં દાખલ થઈ ગઈ છે. આ સર્ચ દરોડા દરમ્યાન ટીમે મહત્વપૂર્ણ દસ્તાવેજો, કોમ્પ્યુટર, અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો, ખોટાં બિલો અને હિસાબી સાહિત્ય કબજે લીધાં છે. કેટલાંક બેંક એકાઉન્ટની વિગતો પણ પુરાવાઓ તરીકે હસ્તગત કરવામાં આવી છે.
જામનગરના કેટલાંક કરદાતાઓએ ટીમ સમક્ષ કબૂલાત આપી છે કે, વિભાગે શોધી કાઢેલી વિગતો અનુસાર અમો વ્યાજ તથા પેનલ્ટી ભરવા રાજી છીએ. આ કૌભાંડમાં 112 કરોડની ટેક્સ ચોરી થઈ છે. વિભાગે રૂ. 4.62 કરોડની ITC બ્લોક કરી છે અને રૂ. 1 કરોડથી વધુની રકમ ધરાવતાં કેટલાંક બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત વિભાગ જણાવે છે કે, સરકારી લેણાંની વસૂલાત માટે રૂ. 36 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો હંગામી ધોરણે સીઝ કરવામાં આવી છે. કેટલાંક કરદાતાઓએ કુલ મળી રૂ. 33 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી પેટે ભરવા તૈયારી દેખાડી છે. 25 ધંધાર્થીઓની તપાસ અને પૂછપરછ ચાલુ છે. 14 ડમી નામોની તપાસ પણ ચાલી રહી છે. આ સાથે અમદાવાદ SGST એમ પણ કહે છે કે, ઘણાં સમન્સ છતાં આરોપી અલ્કેશ તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયો ન હોય, તે વિદેશ ભાગી ન જાય તે માટે તમામ એરપોર્ટ પર લુક આઉટ સર્કયુલર એટલે કે નોટિસ મોકલી આપવામાં આવી છે.