Mysamchar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજયમાં રખડતાં પશુઓ અને બિસ્માર રસ્તાઓ- લાંબા સમયથી, વરસોથી ચર્ચાઓમાં રહેતાં વિષયો છે. અત્યાર સુધી જોવા મળતું હતું કે, આવા દરેક કેસમાં હાઈકોર્ટ સરકાર તથા સંબંધિત વિભાગ પર આકરા શાબ્દિક કોરડાઓ વીંઝતી હતી. પરંતુ તો પણ, સંબંધિત કસૂરવાર અધિકારીઓ ‘બચી’ જતાં હતાં.!! હવે અધિકારીઓ બચી શકશે નહીં, તેઓ વિરુદ્ધ કાનૂની ગાળિયો કસવા હવે તેઓના ગળાનું ‘માપ’ લેવામાં આવશે. આખરે લોકલાગણીનો વિજય થયો. આખો વિષય ઘણાં વરસો પછી ફોક્સ થયો.
રખડતાં પશુઓનો ત્રાસ અને ભંગાર રસ્તાઓ વગેરે મુદ્દાઓ સંબંધે અદાલતોના આદેશોનું પણ પાલન થતું નથી એ મતલબની અદાલતની અવમાનના સંબંધિત અરજી થોડાં સમય અગાઉ હાઈકોર્ટમાં દાખલ થયેલી. આ પિટિશનની સુનાવણી દરમિયાન કાનૂની સેવા સત્તા મંડળના રિપોર્ટને ધ્યાન પર લેવામાં આવ્યો. અને વડી અદાલતે કહ્યું: રિપોર્ટ પરથી જણાઈ રહ્યું છે કે, હાલની સ્થિતિ ખતરાની ઘંટી છે. તેથી હવે આવી બાબતોમાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ અદાલત દ્વારા ચાર્જ (આરોપ) ફ્રેમ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હમણાં થોડાં દિવસ પહેલાં જ ખુદ હાઈકોર્ટે અન્ય એક કેસમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરી, ચાર પોલીસકર્મીઓને 14-14 દિવસની જેલસજા જાહેર કરેલી. આ આરોપીઓ હાલ જેલમાં છે. અદાલત જયારે ચાર્જ ફ્રેમ કરે ત્યારે તેવા કિસ્સાઓમાં આરોપીઓ સજાથી બચી શકતાં નથી. ત્યારબાદ હવે અદાલતની અવમાનનાનો આ બીજો કેસ હાઈકોર્ટ સમક્ષ આવ્યો. જેમાં હાઈકોર્ટે સરકાર તથા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ અદાલત દ્વારા ચાર્જ ફ્રેમ કરવાની વાત કરી છે.
રખડતાં પશુઓ, ભંગાર રસ્તાઓ, ગેરકાયદે પાર્કિંગ તથા ટ્રાફિકની સમસ્યાઓ જેવાં મુદ્દે દાખલ થયેલી આ પિટિશન એક એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં હાઈકોર્ટે આમ જણાવ્યું છે. હાઈકોર્ટે આ સુનાવણી દરમિયાન કહ્યું: સતાવાળાઓની બધી વાતો માત્ર કાગળ પર છે. જમીની હકીકત એ છે કે, કોઈ પરિણામલક્ષી કામગીરીઓ થઈ જ નથી. પરિસ્થિતિ બિલકુલ નિયંત્રણ બહારની બની છે. અને આ ખતરાની ઘંટી બની છે. આજથી તમામ મહાનગરપાલિકાઓ તથા રાજ્ય સરકારના અધિકારીઓ વિરુદ્ધ અદાલતી તિરસ્કાર અંગેના ચાર્જ ફ્રેમ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.અદાલતે આટલું કહ્યા પછી, સરકારે બચાવના ઉપાય તરીકે હાઈકોર્ટ પાસે એક સપ્તાહની મુદ્દત માંગી હતી. પરંતુ નાખુશ વડી અદાલતે આ માંગ સ્વીકાર ન કરી અને આજે ગુરુવારથી ચાર્જ ફ્રેમ પ્રક્રિયા હાથ ધરવાનું જાહેર કરી દીધું.