Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી તંત્ર સાથે સ્થાનિક રહીશોમાં ચર્ચાસ્પદ બની ગયેલા ભાણવડના સસ્તા અનાજના કૌભાંડ જિલ્લા એસ.ઓ.જી. દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે સરકાર દ્વારા મળતા ગરીબો માટેના સસ્તા અનાજના જથ્થાને વ્યાપક પ્રમાણમાં મેળવી લઈ, અને કાળા બજાર કરવામાં આવતું હોવાથી પોલીસ તથા સ્થાનિક મામલતદારની ટીમ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી.આના અનુસંધાને ગત માસમાં જુદા જુદા ચાર આસામીઓ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ વધુ કડક કાર્યવાહી કરી, સરકાર તરફે નાયબ મામલતદાર દ્વારા ગત તારીખ 7 જુલાઈના રોજ ભાણવડની મામલતદાર કચેરીના બે ડેટા એન્ટ્રી ઓપરેટરો તેમજ સસ્તા અનાજની દુકાનના સંચાલકો સહિતના કુલ એક ડઝન જેટલા આસામીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ કૌભાંડમાં મહત્વની ભૂમિકા અદા કરનારા એવા કોમ્પ્યુટર ઓપરેટર પરબત ખીમા કરમુર (રહે. કલ્યાણપુર, તા. ભાણવડ) અને રૂપામોરા ગામે રહેતા બાબુ જગા કારેણા નામના બે શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન કૌભાંડી તત્વોએ મીલાપીપણું રચીને કુલ 2,047 જેટલા વ્યક્તિઓના નામો રેશનકાર્ડમાં ઉમેરીને રેશનકાર્ડનું ખોટું સરકારી રેકોર્ડ ઊભું કર્યાનું તથા પુરવઠા શાખાની સરકારી વેબસાઈટમાં રેકર્ડ સાથે ચેડા કરી, સરકારી અનાજના જથ્થાની ઉચાપત કરી હોવા અંગેનું સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ કેટલાક શખ્સોની ધરપકડ સાથે કેટલીક વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.