Mysamachar.in:રાજકોટ
રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. સરકારે શાળાઓમાં કન્યાઓને કેસરી સાયકલો આપવાની યોજનાનો ધમધોકાર અમલ ચાલુ રાખ્યો છે તેનાં પરથી પ્રેરણા લઈને સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને કેસરી કલર કરી દેવામાં આવ્યો !!? હોસ્પિટલમાં સ્ટ્રેચરને કેસરી કલર કરવામાં આવતાં વિવાદ થયો. કલરકામ કરનારને પૂછવામાં આવ્યું : આ હુકમ કોણે કર્યો ?! તપાસમાં જાણવા મળ્યું કે, સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ વિભાગે સ્ટ્રેચરને કેસરી કલર કરવા સૂચના આપી હતી ! તેઓને પૂછવામાં આવ્યું કે, શા માટે સ્ટ્રેચરનો કલર બદલાવવામાં આવ્યો ?! તો તેઓએ જવાબ આપ્યો કે, બધાં સ્ટ્રેચર સફેદ હોવાથી સ્ટ્રેચર બદલાઈ જાય છે તેથી રંગ બદલાવવામાં આવ્યો છે. જો કે આ ખુલાસો એક પ્રકારનો લૂલો બચાવ હોવાનું જાહેર થયું છે. કેમ કે, આ પ્રકારે કોઈ પણ ચીજનો કલર બદલાવવા અંગે કોઈ પોતાની રીતે નિર્ણય ન લઈ શકે એમ હોસ્પિટલ સતાવાળાઓએ જણાવ્યું છે.
સ્ટ્રેચરનો રંગ સફેદમાંથી કેસરી કરવાનો આ વિવાદ આગની માફક ફેલાતાં, ઈમરજન્સી વોર્ડમાં નર્સિંગ વિભાગે આ કેસરી સ્ટ્રેચરને ફરીથી સફેદ રંગવાનુ શરૂ કરાવી દીધું. આમ કર્યા પછી બીજો વિવાદ શરૂ થયો ! એક જ સ્ટ્રેચરને બબ્બે વખત રંગવામાં આવ્યા, આ રંગકામનાં બેવડા ખર્ચનાં નાણાં કોણ ચૂકવશે ?! આ વિવાદ લાંબો સમય ચાલશે, કેમ કે નાણાંનો મામલો છે. હાલ તો કલરકામ કરનારાઓ ખુશ છે, તેઓને ડબલ મજૂરી મળશે !! રાજકોટની સિવિલ હોસ્પિટલનો આ વિવાદ અત્યારે સમગ્ર રાજ્યમાં ગાજી રહ્યો છે અને કેસરિયા સ્ટ્રેચરનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.