Mysamachar.in-સુરતઃ
થોડા સમય પહેલા જ પાટણમાં નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા યુવતીઓની ઘટના હજી ભૂલાઇ નથી ત્યાં વધુ એક તબીબી જગતમાં લાંછન લગાવતી ઘટના સામે આવી છે. સુરતના વ્યારા તાલુકાના કાકરાપાર ખાતે KPS હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર દ્વારા ત્રણ મહિના પહેલા નર્સિંગ આસિસ્ટન્ટમાં ફરજ બજાવતી 45 વર્ષિય મહિલાની છેડતી કરવામાં આવી હતી. આ અંગે તબીબ વિરુદ્ધ કોઇ પગલા ન લેવાતા અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટરે ત્રણ મહિના પહેલા આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 45 વર્ષની એક મહિલાને 2 ઓગસ્ટ 2019ના રોજ હોસ્પિટલમાં રાત્રીના સુમારે એસી રૂમમાં બેડશીટ બદલવાની છે એમ કહી બોલાવ્યા હતા. દરમિયાન એસી રૂમમાં જતાં જ ડોક્ટરે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને મહિલાને કમરના ભાગેથી પકડી જબરજસ્તી કરી હતી અને ઓરેન્જ કલરની ચોકલેટ ખવડાવી હતી. બીજા દિવસે મહિલાએ વુમન સેલ મુંબઈ વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં 90 દિવસમાં પરિણામ આવવાનું કહેવામાં આવ્યું. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા અંતે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો આરોપી ડોક્ટરની બદલી હાલ રાજસ્થાન કરી દેવાઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.