Mysamachar.in:જામનગર
જામનગરમાં તાજેતરમાં સાધના કોલોની વિસ્તારમાં મકાન દુર્ઘટના બની અને એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લેવાયો. કમનસીબી, એ છે કે આ દુર્ઘટના અંતિમ નહીં હોય, હજુ પણ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે ! કારણ કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં હજારો લોકો એવાં મકાનોમાં વસવાટ કરે છે, જે મકાનો ગમે ત્યારે જમીન પર ઢગલો થઈ શકે છે ! મોતની તલવાર હજારો લોકો પર લટકી રહી છે !
ખુદ હાઉસિંગ બોર્ડનો સર્વે કહે છે : સમગ્ર સૌરાષ્ટ્રમાં હાઉસિંગ બોર્ડના અંદાજે 19 હજારથી વધુ મકાનો છે જે પૈકી 8 હજારથી વધુ મકાનો એવાં છે જે જર્જરિત છે. તૂટી શકે છે ! આ પ્રકારના કિસ્સાઓમાં બોર્ડ દ્વારા રહેવાસીઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવે છે. ઘણાં કિસ્સાઓમાં તો બોર્ડ, આવાં મકાનોનાં ધારકોને એક જ વર્ષમાં ચાર-ચાર વખત પણ નોટિસ આપે છે !
હકીકત એ છે કે, આ તમામ બાંધકામો દાયકાઓ જૂનાં છે. વળી, આ બાંધકામો સરકારી કોન્ટ્રાક્ટર્સ દ્વારા તૈયાર થયેલાં હોય, પ્રથમથી જ આ મકાનોની ગુણવત્તા નબળી હોય તે સમજી શકાય તેવી બાબત છે ! આથી આ તમામ બાંધકામો ભયજનક બની જ ચૂક્યા છે. તંત્ર નોટિસ આપે, પણ તેથી શું ?! આ હજારો ગરીબ પરિવારો પોતાનો એક માત્ર આશરો મૂકી જાય ક્યાં ?! તેઓ પાસે અન્ય કોઈ વિકલ્પ હોવો જોઈએ ને !!
આ જર્જરિત મકાનો પૈકી અમુક મકાનો 1970-75 માં, અમુક મકાનો 1980-85 માં અને કેટલાંક મકાનો 1990-95 માં બન્યા છે. જામનગરમાં જે મકાન દુર્ઘટના સર્જાઈ તે મકાન 1994 માં બનેલું. કલ્પના કરો, 1970 તથા 1980 માં બનેલાં સરકારી મકાનોની હાલત આજે શું હશે ?! સમગ્ર સૌરાષ્ટ્રમાં ભયજનક મકાનોની સૌથી વધુ સંખ્યા જામનગરમાં 4,656 છે ! બીજા ક્રમે રાજકોટ છે. સૌરાષ્ટ્રભરમાં અન્ય શહેરોમાં પણ આ પ્રકારના ભયજનક મકાનોની સંખ્યા નોંધપાત્ર છે ! ખુદ હાઉસિંગ બોર્ડ કહે છે : સમગ્ર સૌરાષ્ટ્રમાં હાઉસિંગ બોર્ડના મકાનો પૈકી મોટાભાગના મકાનોનું આયુષ્ય પૂરું થયું છે ! (જો કે આમ છતાં, આ હજારો પરિવારો માટે કોઈ નવી વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવી ન હોય, હજારો લોકો મોતનાં ઓછાયા હેઠળ ઉચ્ચક શ્વાસ લઈ રહ્યા છે !).