Mysamachar.in:ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતનાં તમામ પરિવારોને આઠ આંકડાનો એક ડિજિટલ નંબર આપશે, જે નંબર આ પરિવારની ઓળખ બનશે. સરકારી યોજનાઓમાં આ નંબરનો ઉપયોગ થશે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આ માટેની તૈયારીઓ થઇ રહી છે. ડ્રાફ્ટ બની ગયો છે. આ યોજના હેઠળ પ્રત્યેક પરિવારને આઠ આંકડાનો ડિજિટલ આઈડી મળશે. સરકારી યોજનાઓ માટેની પાત્રતા, સરકારી લાભો મળવાપાત્ર છે કે કેમ વગેરે બાબતો આ ડિજિટલ આઈડીના આધારે નકકી કરવામાં આવશે. હાલમાં દેશમાં દક્ષિણના કેરળ રાજ્યમાં અને ઉતરના હરિયાણા રાજ્યમાં આ વ્યવસ્થા છે. ગુજરાત આ વ્યવસ્થા કરનારું દેશનું ત્રીજું રાજ્ય બનશે.
આ કાર્ડ બનાવવાની કામગીરીઓ સાથે સંકળાયેલા એક અધિકારી કહે છે: આ કાર્ડને કારણે લાભાર્થી વ્યકિત કે પરિવારને સરકારી કચેરીઓના ધકકા ખાવામાંથી મુક્તિ મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે શાસકપક્ષ દ્વારા ગત વિધાનસભા ચૂંટણીઓ વખતે સંકલ્પપત્રમાં આ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફૂલપ્રૂફ વ્યવસ્થા ઉભી કરવા તથા તેને કાયદાકીય પીઠબળ આપવા આ બિલ વિધાનસભામાં લાવવામાં આવશે. આ બિલ માટે ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. અમુક પરિવારો કે તેનાં સભ્યને સરકારની વિવિધ યોજનાના લાભો મળે કે ન મળે, તે બાબતનો નિર્ણય સરકારના વિવિધ વિભાગો લેતાં હોય છે પરંતુ આ નવી વ્યવસ્થા લાગુ થતાં દરેક પરિવારનાં તમામ સભ્યનો ડિજિટલ ડેટા એક જ આઈડી નંબર હેઠળ સરકારમાં સંગ્રહિત થઈ જશે. આ ડેટાનાં આધારે જ નકકી થશે કે કોઈ પરિવાર અથવા તેના સભ્યોને કઈ કઈ સરકારી યોજનાઓનાં લાભો મળવાપાત્ર છે ?
સરકાર એક પોર્ટલ બનાવશે. જેનાં પર પરિવારોનાં આ ડિજિટલ આઈડી હશે અને તેમાં જન્મ, મૃત્યુ, ઉંમરમાં વધારો વગેરે તમામ વિગતો સમયાંતરે અપડેટ થતી રહેશે. જેથી વિગતો આપોઆપ લેટેસ્ટ થશે. એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે. હાલમાં વિવિધ પ્રકારના કાગળો અને દાખલાઓ મેળવવા લોકોને અલગ-અલગ કચેરીઓમાં ધક્કા થાય છે. કચેરીઓમાં લાંબી કતારોમાં ઉભવું પડે છે. પછી આ બધી જ વિગતો એક જ પોર્ટલ પર ઉપલબ્ધ હશે. સૌથી મહત્વનો મુદો એ છે કે, પરિવારોના આ ડેટામાં સંબંધિત પરિવાર સિવાયની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવી શકશે નહીં. ફેરફાર માટે પરિવારની સંમતિ મેળવવી ફરજિયાત બનાવવામાં આવશે. ફેમિલી ઓળખકાર્ડ માટેની તમામ પ્રાથમિક તૈયારીઓ આગામી લોકસભા ચૂંટણીઓ પહેલાં પૂર્ણ થઈ જશે એમ માનવામાં આવે છે.