Mysamachar.in-અમદાવાદઃ
હજુ તો માંડ એક વાવાઝોડાનો ખતરો ટળ્યો ત્યાં ફરી બીજું વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં અનેક સ્થળે ભારેથી મધ્યમ વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં વધુ એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને ‘મહા’ નામ આપ્યું છે. હવામાન વિભાગ સતત આ વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે. તેમનું કહેવું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ આગામી 6 કલાકમાં સીવીયર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરશે એટલે કે આ વાવાઝોડું બની જશે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જ્યારે આ વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેના પવનની ઝડપ 80થી 90 કિમીની હશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડું લક્ષ્યદ્રીપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, હાલ તે તિરુવનનંતપુરમથી 450 કિમી દૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાશે. મહા વાવાઝોડું ગુજરાત નજીક પહોંચશે ત્યારે ભારેથી અતિભારે વરસાદ પડશે. વાવાઝોડા પહેલા જ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હજુ પણ મહાકાય મોજા ઉછળવાની શક્યતાને ધ્યાને રાખી બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે. તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. ત્યારે ફરી વરસાદને કારણે જમીનનું સાવ ધોવાણ થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.