રાજ્ય સરકાર અને વીજકંપનીઓ સતત ખર્ચ ઘટાડવા તથા વીજકંપનીની વધુને વધુ સેવાઓ આઉટસોર્સ કર્મચારીઓ હસ્તક રહે તે દિશામાં આગળ વધી રહ્યા છે. ટૂંકમાં, આ રીતે ખાનગીકરણને વેગ આપવામાં આવી રહ્યો છે. જો કે તેની સામે લોકોનો આઉટસોર્સ અનુભવ અત્યાર સુધી સારો રહ્યો નથી.
વીજવિતરણ વ્યવસ્થાઓ સાથે સંકળાયેલી PGVCL વીજકંપની ખાનગીકરણની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. કંપનીએ એવો નિર્ણય લીધો છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજમીટર રીડિંગની કામગીરીઓ આઉટસોર્સ એટલે કે ખાનગી એજન્સીના માણસોને સોંપી દેવામાં આવે. જામનગરમાં પણ આ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.
હાલમાં વીજમીટર રીડિંગની કામગીરીઓ વીજતંત્રના કર્મચારીઓ હસ્તક છે. આ કર્મચારીઓ ટેક્નિકલ બાબતોના જાણકાર હોય છે, તેથી કોઈ વીજગ્રાહકને વીજમીટર સંબંધે કોઈ નાનીમોટી ફરિયાદો હોય તો, આ કર્મચારીઓ ગ્રાહકને માર્ગદર્શન આપતાં હતાં તેથી ગ્રાહકે આ પ્રકારના કામો માટે વીજતંત્રની કચેરીએ જવું પડતું ન હતું.
હવે સ્થિતિઓ બદલી જશે. મીટર રીડિંગ આઉટસોર્સ કર્મચારીઓને સોંપવામાં આવશે. આ કર્મચારીઓ ઓછા પગારમાં કામ કરતાં શિખાઉ અને બિનઅનુભવી તથા જવાબદારીઓ વિનાના કર્મચારીઓ હશે. તેઓ કામનો આડેધડ નિકાલ કરશે. અને, અન્ય સરકારી વિભાગોમાં થાય છે તેમ આ વિભાગમાં પણ આ આઉટસોર્સ કર્મચારીઓ કુંડાળાઓ કરશે એવી શકયતાઓ ભરપૂર રહેશે કારણ કે એમના પગાર ટૂંકા હોય, નોકરીની કોઈ સલામતી ન હોય અને કાયદાકીય રીતે તેમની કોઈ ખાસ જવાબદારીઓ હોતી નથી.
આ પ્રકારના આઉટસોર્સ કર્મચારીઓ ગ્રાહક સાથે મળી જઈ ઓછું રીડિંગ અને વીજચોરી જેવી બાબતોનું દૂષણ પેદા કરે તેવી પણ ભરપૂર શકયતાઓ છે. કારણ કે આવી બાબતો માટે સૌરાષ્ટ્ર આમેય પહેલાંથી જ કુખ્યાત છે. સૌરાષ્ટ્રમાં વીજચોરીનું પ્રમાણ પણ મોટું છે, આઉટસોર્સ કર્મચારીઓ બેફામ ભ્રષ્ટાચાર આગળ વધારી શકે છે.
બીજી તરફ…આ સમગ્ર વિષય અંગે જામનગર વીજસર્કલના વડા-અધિક્ષક ઈજનેર હસિત વ્યાસ આ નવી વ્યવસ્થાઓ અંગે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવી રહ્યા છે કે, મીટર રીડિંગ કામગીરીઓમાંથી કાયમી કર્મચારીઓ મુક્ત થતાં તંત્રની અન્ય ક્ષેત્રની કાર્યક્ષમતામાં સુધારો આવશે. આઉટસોર્સમાં પૂરતાં કર્મચારીઓ મળવાથી લોકોને વીજબિલો સમયસર આપી શકાશે અને તેથી વિજબિલની રકમ પણ નાની રહેવાથી લોકો સમયસર નાની રકમના બિલોના ચૂકવણાં કરી શકશે. જામનગર વીજસર્કલમાં પણ આ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીઓ માટેની પ્રોસેસ એજન્સી મારફતે હાથ ધરવામાં આવશે. એ માટેનું આયોજન હવે શરૂ થશે- દાખલા તરીકે એક આઉટસોર્સ કર્મચારીને કુલ કેટલાં મીટરનું રીડિંગ આપવું વગેરે બાબતો તથા એરિયા વગેરેની ફાળવણી હવે નક્કી કરવામાં આવશે.