Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમના ગુનાઓ ચાર ગણા વધી ગયા છે. ભેજાબાજો અન્ય સ્થળે બેસી તમારું બેંક ખાતું મિનિટોમાં સાફ કરી નાખે છે. આ અંગે ફરિયાદ બાદ પણ તમારા નાણાં પાછા મળવાની ગેરંટી નહિવત છે. જો કે હવે એવી એક વ્યવસ્થા આવી છે જેના કારણે તમારે ઓનલાઇન છેતરપીંડિ થાય તો ચિંતા કરવી નહીં પડે કારણ કે આ અંગે HDFC ઇર્ગોએ એક સાયબર સિક્યોરિટી પોલીસી લોન્ચ કરી છે. જેમાં 50 હજાર રૂપિયાનો વીમો દરરોજ ત્રણ રૂપિયા ખર્ચ કરીને લઈ શકાય છે. એટલે કે સરળ શબ્દોમાં સમજીએ તો જેવી રીતે તમે હેલ્થ, વાહન કે મકાનની વીમા પોલીસી કરાવો છો તેવી જ રીતે તમારી સાથે ઓનલાઇન ફ્રોડ થાય તો આ વીમા પોલીસી કામ આવશે.
આ પોલીસી અંતર્ગત ખોટી રીતે કરવામાં આવેલા ઑનલાઇન ટ્રાન્ઝેક્શન, ફિશિંગ અને ઇમેલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન, આઇડેન્ટિટી ચોરી અને સાઇબર બુલિંગ જેવા ગુનાઓ થશે તો તમારો વીમો પાકી જશે અને તમને નાણા પરત મળી જશે. આ સાઇબર વીમા પોલીસી સામાન્ય લોકો અને તેના પરિવારને સાઇબર ફ્રૉડ, ડિજિટલ ધમકી કે સાઇબર અટેકથી થતા નાણાકીય અને પ્રતિષ્ઠા નુકસાન સામે રક્ષણ આપે છે. એટલે કે આ પોલીસીમાં ઑનલાઇન છેતરપિંડી અને ફ્રૉડના લગભગ તમામ મામલા કવર મળશે. સાથે જ તમે ઇચ્છો તો પરિવારના તમામ સભ્યોનો વીમો ઉતરાવી શકો છો. બીજી બાજુ નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (NCRB)ના એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2016માં દેશમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં 6.3 ટકાનો વધારો થયો છે. તો એક્સપર્ટનું માનવું છે કે ઑનલાઇન બિઝનેસના કેસમાં ભારત દુનિયાનું બીજું સૌથી મોટું બજાર છે. આથી અહીં સાઇબર ઇન્શ્યોરન્સ બિઝનેસનું ભવિષ્ય ઉજળું છે.