Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વિશાળ વીજતંત્ર જામનગર સર્કલ કચેરી સંભાળે છે. આ કચેરીના બોસ એન. એન. અમીન છે, જેઓ વીજચોરો પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે.? અને આરોપીઓને થાબડભાણાં કરવાની માનસિકતાનો શિકાર બનેલાં અધિકારી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના 35 વીજતંત્ર પૈકી આ જામનગરનું વીજતંત્ર પીજીવીસીએલને સૌથી વધુ નુકસાનની ભેટ આપે છે, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જામનગર વીજતંત્રનો વીજલોસ સૌથી મોટો છે તેવું કેટલીય વખત સામે આવી ચુક્યું છે અને તેને કારણે લાખો પ્રમાણિક વીજગ્રાહકોને વીજતંત્રની દાદાગીરીનો ભોગ બનવું પડે છે. એક બાજુ વાપરેલી વીજળીના નાણાં ચૂકવવા અને બીજી તરફ સાહેબોની દાદાગીરી સહન કરવાની અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વીજચોરોને જલસો- એવી કમનસીબ સ્થિતિઓ છે.

જામનગર વીજતંત્રની સર્કલ કચેરી હેઠળ દરબારગઢ સબડિવિઝન કાર્યરત છે. આ સબડિવિઝનનો દામન પણ વીજચોરી મામલે અને વસૂલાત મામલે ડાઘરહિત નથી. દરબારગઢ સબડિવિઝન હેઠળના રવિપાર્ક વિસ્તારમાં ‘સામૂહિક’ વીજચોરી ચાલી રહી હતી, એકસાથે 50 થી વધુ આસામીઓ વીજલાઈનમાં લંગરિયા નાંખી, આરામથી વીજચોરી કરી રહ્યા હતાં. વીજતંત્રની આ નુકસાની પ્રમાણિક વીજગ્રાહકોએ વેઠવાની ! આમ છતાં દરબારગઢ સબડિવિઝન વીજતંત્રએ આ વીજચોરોને વીજચોરીના બિલો આપ્યા નથી. માત્ર લંગરિયા જ દૂર કર્યા. આથી શહેર આખાના લાખો પ્રમાણિક વીજગ્રાહકોના મનમાં એ પ્રશ્ન ઉઠ્યો કે, આપણે વીજબિલ ભરી મૂર્ખાઈ તો નથી કરતાં ને ?! અને, વીજચોરીના કારણે વીજતંત્રને થતી નુકસાની આપણે પ્રમાણિક વીજગ્રાહકોએ સહન કરવાની ?! નાણાં પણ ભરવા, લો વોલ્ટેજ પણ સહન કરવાના !! આપણો પ્રમાણિક વીજગ્રાહકોનો વાંક શું ?!

અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ શનિવારે દરબારગઢ સબડિવિઝનના અધિકારી એસ.આર.પરમારના માર્ગદર્શનમાં મહિલા અધિકારી કોમલ ચંદારાણાએ શહેરના રવિપાર્ક વિસ્તારમાં ચાલતી આ સામૂહિક વીજચોરીમાં વીજચોરી કરતાં પરિવારોને વીજચોરીના બિલ નથી આપ્યા, માત્ર લંગરિયા દૂર કર્યા. વીજતંત્રને એ પણ ખબર છે કે, આ વિસ્તાર વીજચોરી માટે કુખ્યાત છે, અગાઉ પણ અહીં લંગરિયા ઝડપાયા હતાં. છતાં દરબારગઢ સબડિવિઝન વીજતંત્ર આ વીજચોરો પર આટલું મહેરબાન કાં ?! એવો પ્રશ્ન સપાટી પર આવ્યો છે.
Mysamachar.in દ્વારા આ મામલો જામનગર વીજતંત્રના મુખ્ય અધિકારી એન.એન.અમીન સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. આ અધિકારી સામૂહિક વીજચોરીના આ આરોપીઓને વીજચોરીના બિલ આપવાના પક્ષમાં નથી. ઉલટા એવી દલીલ કરે છે કે, ધારો કે કોઈ વાહનચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે તો દરેક કેસમાં દંડ ન થાય, કયારેક વાહનચાલકને ફૂલ આપી પોલીસ દ્વારા ગાંધીગીરી પણ કરી શકાય. એવો આ મામલો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં અબજો રૂપિયાની વીજચોરીઓ થઈ રહી છે. વીજચોરીમાં રહેણાંક વીજ વપરાશકારોથી માંડીને કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઉદ્યોગો, ખેડૂતો- એમ બધાં જ પ્રકારના વીજ વપરાશકારો વીજચોરીઓ કરતાં હોય છે, લોકોમાં તો એવી પણ દ્રઢ માન્યતાઓ છે કે, આ કલાકારીગરીમાં વીજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણીનો ઈનકાર કરી શકાય નહીં. આ બધી જ ગેરરીતિઓનું નુકસાન પ્રમાણિક વીજગ્રાહકોએ સહન કરવું પડે છે.

દાખલા તરીકે કોઈ પ્રમાણિક વીજગ્રાહક એવા એપાર્ટમેન્ટના જનરલ વીજબિલની ભરપાઇ કોઈ કારણસર બેચાર દિવસ વિલંબથી થાય એ પહેલાં તો વીજતંત્રના સાહેબો ત્યાં પહોંચી જઈ, એપાર્ટમેન્ટના જનરલ વીજજોડાણનો ફયૂઝ કાઢી લઈ ત્યાં અંધારા કરી નાંખે. અને, એ પણ યાદ રહે કે, મોટા તથા નાના વીજચોરો ઝડપાઈ ગયા પછી પણ, અદાલતમાં ક્યા કારણસર નિર્દોષ છૂટી જાય છે, એ આખી મોડસ ઓપરેન્ડી પણ લોકો સારી પેઠે જાણે છે. આ પ્રકારની સ્થિતિઓમાં વીજચોરોને થાબડભાણાં કરવા અને પ્રમાણિક વીજગ્રાહકો પર દાદાગીરી કરવી- વીજતંત્રના અધિકારીઓને શોભતી નથી. પ્રમાણિક વીજગ્રાહકો અવારનવાર સ્થાનિક વીજકચેરીઓ પર તકલીફોને કારણે હલ્લાબોલ મચાવે છે, એ તંત્રને યાદ હશે જ. આ પ્રકારના ટોળાં અડધી રાતે વીજતંત્રના અધિકારીઓને ઘરે ત્રાટકશે, તો ?! કારણ કે, વીજતંત્રની નીતિ બેવડી છે, સ્પષ્ટ નથી.
