Mysamachar.in-અમદાવાદ:
મેડિકલ ક્ષેત્રમાં ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં જાતજાતના કુંડાળાઓ ચાલતાં હોવાની વિગતો થોડા થોડા સમયે બહાર આવતી જ રહે છે અને એમાંયે ખાનગી હોસ્પિટલોની છત્રછાયામાં થતાં ‘મફત’ કેમ્પ કૌભાંડનો મુખ્ય આધાર હોવાની વિગતો પણ ઘણી બધી વખત બહાર આવતી હોય છે, વધુ એક વખત આમ બન્યું છે. આવા એક મામલામાં 2 દર્દીઓના મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે.
આ ચકચારી બનાવની જાહેર થયેલી વિગતો અનુસાર, અમદાવાદમાં SG હાઈ-વે પર આવેલી ખ્યાતિ નામની ખાનગી હોસ્પિટલમાં મોટી બબાલ થઈ છે. આ હોસ્પિટલનો અગાઉનો રેકોર્ડ પણ વિવાદાસ્પદ હોવાની વિગતો બહાર આવી છે. આ હોસ્પિટલમાં હાલ 2 દર્દીઓના મોતના કારણે માહોલ બગડી ગયો છે. હોસ્પિટલમાં મોટી તોડફોડ થયાનો પણ અહેવાલ છે. આ હોસ્પિટલ સંચાલકોએ ઘણાં બધાં લોકોની સાથે એકસાથે છેતરપિંડીઓ આચરી હોવાની ચર્ચાઓ છે.
ઉત્તર ગુજરાતના કડી તાલુકાના બોરીસાણા ગામમાં આ ખ્યાતિ હોસ્પિટલે એક વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પ યોજ્યો હતો. બાદમાં આ ક્ષેત્રની મોડસ ઓપરેન્ડી મુજબ, દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા. જે પૈકી ઘણાં દર્દીઓના ઓપરેશન કરી નાંખવામાં આવ્યા. ઘણાં ઓપરેશન એવા પણ છે કે, આ ઓપરેશનો અંગે પરિવારજનોને જાણ પણ કરવામાં આવી નથી. આ ઓપરેશન થયેલાં દર્દીઓ પૈકી 2 દર્દીઓના મોત થયા અને તે કારણથી બાદમાં હોસ્પિટલમાં તોડફોડ પણ થઈ.
એમ કહેવાય છે કે, ઓપરેશનના 19 કેસ એવા છે જેમાં દર્દીઓના પરિવારજનોને અંધારામાં રાખી દર્દીઓના ઓપરેશન કરી નાંખી, તે તમામના આયુષ્યમાન કાર્ડમાંથી ઓપરેશન ખર્ચ વસૂલી લેવામાં આવ્યો. ટૂંકમાં, મફત કેમ્પના નામે હોસ્પિટલ સંચાલકોએ તગડો ધંધો કરી લીધો. 19 દર્દીઓની જાણ બહાર એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા. સ્ટેન્ટવાળા 2 દર્દીઓના મોત થઈ ગયા. તેમાં આખું કુંડાળુ બહાર આવી ગયું. આ બધી જ વિગતો દર્દીઓના પરિવારજનોએ મીડિયાકર્મીઓને આજે આપી છે.
ગ્રામજનોએ એવો આક્ષેપ પણ કર્યો છે કે, આ હોસ્પિટલમાં જે 19 એન્જિયોગ્રાફી કરવામાં આવી છે તે પૈકી 7 દર્દીઓની એન્જિઓપ્લાસ્ટિ પણ દર્દીઓના પરિવારજનોની જાણ બહાર કરી નાંખી. અમારાં 2 દર્દીઓને મારી નાંખ્યા. અને, અમારાં 5 દર્દીઓને આથી ICUમાં સારવાર આપવી પડી રહી છે. આ બબાલ મોટી થયા બાદ, હોસ્પિટલના ઘણાં બધાં ડોક્ટર ગાયબ થઈ ગયા છે અને હોસ્પિટલ સંચાલકો તરફથી મીડિયાકર્મીઓને કોઈ વિગતો આપવામાં આવી રહી નથી.
-આરોગ્યમંત્રીએ તપાસનો આદેશ છોડતાં ગરમાવો…
અમદાવાદ અને કડીને સાંકળતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ખુદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ એક્સ પર ટ્વીટ કરી, આ બાબતે તપાસનો આદેશ આપવામાં આવ્યો હોવાની જાણકારીઓ આપી છે. એમના ટવીટમાં જણાવાયું છે કે, આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ બાબત છે. PMJAY-મા યોજના હેઠળના સ્ટેટ એન્ટિ ફ્રોડ યુનિટને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન તબીબી બેદરકારીઓ જણાશે તો, હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધી, ધરપકડો કરી, જરૂરી પોલીસ કાર્યવાહીઓ પણ કરવામાં આવશે. આરોગ્યમંત્રીના આ ટવીટ બાદ મામલો વધુ ચર્ચિત બન્યો અને ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં આ બનાવની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે, હોસ્પિટલ વર્તુળમાં ગભરાટ પણ શરૂ થઈ રહ્યો છે.