Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધુ એક વખત મેડિકલ ઈમરજન્સીનો ખતરો તોળાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તમામ રાજયોને ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડીને મહાનગરોની હોસ્પિટલો સુધી સૌને સાબદાં થઈ જવા એડવાઈઝરીના રુપમાં હાકલ કરી છે. ચીનની રહસ્યમય બિમારીને પગલે આ ચેતવણી જાહેર થઈ છે.
ચીનમાં રહસ્યમય બિમારીનો દૌર શરૂ થયો છે, લાખ્ખો દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, બિમારીનું કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ આ રોગચાળો છે વ્યાપક પ્રમાણમાં, આથી ભારત સરકાર સાબદી બની ગઈ છે અને દેશભરમાં તમામ આરોગ્ય સુવિધાઓ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા તૈયાર રાખવામાં આવે- એ પ્રકારનું એલર્ટ સમગ્ર દેશ માટે જાહેર કરવામાં આવ્યું છે.
સરકારની આ ચેતવણીમાં જણાવાયું છે કે, આ શિયાળામાં ઈન્ફલુએન્ઝા, માઈક્રોપ્લાઝમા અને ન્યૂમોનિયા જેવા રોગોના દર્દીઓ પર ખાસ નજર રાખવી જરૂરી બની ગઈ છે. આ રોગચાળો વ્યાપક બનવાની સંભાવનાઓ છે. ખાસ કરીને બાળકોની તબિયતનો ખાસ ખ્યાલ રાખવો. બાળકોમાં આ રોગચાળો જોખમી બની શકે છે. કેમ કે ચીનમાં લાખ્ખોની સંખ્યામાં લોકો બિમાર પડી રહ્યા છે, બિમારીના કારણો જાણી શકાયા નથી તેથી કોરોના જેવો વાયરસ પણ હોય શકે છે.
સરકારે જાહેર કર્યું છે કે, તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં પીપીટી કીટ અને ટેસ્ટિંગ કીટનો જથ્થો, ઓક્સિજન માટેના પ્લાન્ટ સહિતની વ્યવસ્થા અને વેન્ટિલેટર સહિતના સાધનો તૈયાર છે કે કેમ ? તે ચકાસી લેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવે છે. તમામ હોસ્પિટલોમાં પથારીઓ તથા જરૂરી દવાઓ તૈયાર રાખવા પણ આદેશ થયો છે. કોરોનાની માફક આ રહસ્યમય બિમારી પણ ગંભીર અને વ્યાપક બનવાની શકયતાઓ છે. જેને ધ્યાનમાં લઈ આ સૂચનાઓ આપવામાં આવી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 300 બેડનો અલાયદો વોર્ડ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. તમામ સરકારી હોસ્પિટલમાં આ તૈયારીઓની સમીક્ષા કરવા પણ કહેવાયું છે. ચીનમાં બાળકોમાં H9N2 નામના વાયરસે દેખા દીધી છે જેને કારણે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. આ વાયરસે માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ચિંતાઓ વધારી દીધી છે.
ભૂતકાળમાં કોરોના વાયરસ ચીનમાંથી ધીમા પગલે ભારતમાં આવ્યા બાદ સ્થિતિ વિકરાળ બની હતી એટલે સરકારે આ વખતે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે કે કેમ ? બધાં જ વેન્ટિલેટર ઓર્ડરમાં છે કે કેમ.? હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવામાં ખૂટતી તૈયારીઓ કરવા તેમજ વિવિધ પ્રકારના ન્યૂમોનિયા જેવા રોગો પર તથા બાળકોના રોગો પર ખાસ નજર રાખવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. છેક ગ્રામ્ય વિસ્તાર સુધી તૈયારીઓ કરવા કહેવાયું છે.
નિષ્ણાંતો કહે છે: બાળકોમાં શરદી-ખાંસી હોય, વધુ પ્રમાણમાં તાવ આવે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ગળામાં સોજો દેખાય, બ્રોન્કાઈટીસ કે એલર્જી જેવા લક્ષણો જોવા મળે તો તાકીદે ડોકટરનો સંપર્ક કરી જરૂરી ટેસ્ટ કરાવી લેવા જોઈએ. સાવચેતીઓ રાખવી સારી. બાળકોમાં જયારે પણ આવા લક્ષણો જોવા મળે, બિમારીને હળવાશથી ન લેવી- સઘન અને તાકીદની સારવાર અપાવવી. આ પ્રકારની સ્થિતિમાં બાળકોને ગણતરીની કલાકોમાં ન્યૂમોનિયા જેવો રોગ થઈ શકે છે. ડરવાની જરૂર નથી પરંતુ એકદમ સાવચેત રહેવું.
ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ પણ કેવી તૈયારીઓ છે.? તેની આગામી દિવસોમાં સમીક્ષા કરશે. ચીનના બાળકોમાં જે પ્રકારનો શ્વાસલક્ષી રહસ્યમય રોગ છે તેવો એક પણ કેસ આખા ભારતમાં હાલ કયાંય નથી પરંતુ સૌને સાવચેત રહેવા અને તૈયાર રહેવા કહેવાયું છે. ગુજરાતના અને દેશભરના બિઝનેસમેન પણ હાલ ચીન જવાનું ટાળી રહ્યા છે. ગુજરાતના હીરાના અને ટેક્સટાઈલ ઉદ્યોગના સાહસિકો ચીન જવાનું ટાળી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં એકાદ બે દિવસમાં જ આરોગ્ય સહિતના વિભાગોના અધિકારીઓની બેઠકોનો દોર આ રોગના સંદર્ભમાં શરૂ થશે, એમ સૂત્ર જણાવે છે.