Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજયભરમાં જમીન માપણી કચેરીઓ સંબંધિત કામગીરીઓમાં લાંબા સમયથી સર્વત્ર અસંતોષ જોવા મળે છે. જેનો પડઘો છેક પાટનગરમાં પડતાં સરકારનાં મુખ્ય સચિવએ આ મુદે સમગ્ર રાજયનાં કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. રાજયનાં મુખ્ય સચિવએ તમામ કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને રાજયની તમામ ડીઆઈએલઆર કચેરીની કામગીરીઓ બાબતે મળતી ઢગલાબંધ ફરિયાદો અંગે યોગ્ય કરવા સૂચના આપી છે. આ ફરિયાદોનું યોગ્ય સુપરવિઝન કરવા કહેવામાં આવ્યું છે.
જમીન માપણી, રિ-સર્વે, સ્વામિત્વ યોજનાનું ઝડપી અમલીકરણ, આઈ-મોજણી તથા વિભાગીય મુદ્દાઓની મુખ્ય સચિવે સમીક્ષા કરી હતી. ડીઆઈએલઆર કચેરીઓ સાથે યોગ્ય સમયાંતરે બેઠકો યોજવા અને આ કચેરીઓની કામગીરીઓ પર યોગ્ય સુપરવિઝન રાખવા કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સહિત રાજયમાં આ કચેરીઓમાં સંખ્યાબંધ ગોટાળાઓ થયાં છે. ફરિયાદો થઈ છે અને તપાસો પણ થતી રહે છે. હજારો વાંધાઅરજીઓનો ઢગલો થતો રહે છે. લાંબા સમય સુધી અરજદાર ખેડૂતોની વાત સાંભળવામાં આવતી નથી. થોડાં થોડાં સમયે કચેરીઓની કામગીરીઓને તપાસવી પડે છે, બેઠકો યોજવી પડે છે, જેનો સીધો અર્થ એ પણ થઈ શકે કે, કામગીરીઓ યોગ્ય રીતે થતી નથી.
આ પ્રકારની ફરિયાદો ધ્યાને લઇ મુખ્ય સચિવએ કહ્યું છે કે, જમીન માપણીની તમામ અરજીઓનો તાકીદે નિકાલ થવો જોઈએ. આ ઉપરાંત ગામ નમૂના નં. 2, સ્વામિત્વ યોજનાનાં ઝડપી અમલીકરણ માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ વીડિયો કોન્ફરન્સમાં સેટલમેન્ટ કમિશનર મુકેશ પંડયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.