Mysamachar.in-ગાંધીનગર:
તાજેતરમાં એક અહેવાલ એવો પ્રગટ થયો હતો કે, દેશભરમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ ક્રમનું રાજ્ય છે. ત્યારબાદ, ગુજરાતની વિધાનસભામાં સરકાર વતી શ્રમ અને રોજગાર મંત્રીએ રોજગારી અંગે જાહેર કરેલાં આંકડાઓ કંઈક અલગ જણાવી રહ્યા છે.
રાજ્યમાં જામનગર સહિતની રોજગાર વિનિમય કચેરીઓમાં 31-12-2023 ની સ્થિતિએ, છેલ્લા બે વર્ષ દરમિયાન 2,38,978 શિક્ષિત અને 10,757 અર્ધશિક્ષિત એમ કુલ મળી 2,49,735 બેરોજગારોની નોંધણી થઈ. જે પૈકી 33 જિલ્લાઓમાં કુલ મળી 32 નોંધાયેલા બેરોજગારોને સરકારી નોકરીઓ મળી છે, એમ વિપક્ષના એક સભ્યના પ્રશ્નના ઉત્તરમાં વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે સરકાર વતી જણાવ્યું છે.
મંત્રીએ વિધાનસભામાં રાજ્યના 33 જિલ્લાઓનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં આ આંકડા જાહેર થયા છે. બે વર્ષમાં જે 32 બેરોજગારોને સરકારી નોકરીઓ મળી છે, તે પૈકી 22 ઉમેદવારો અમદાવાદના છે, 9 ઉમેદવારો ભાવનગર જિલ્લાના અને એક ઉમેદવાર ગાંધીનગરના છે. એટલે કે, બે વર્ષ દરમિયાન જામનગર અને દ્વારકા સહિતના રાજ્યના અન્ય 30 જિલ્લાના એક પણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી.
મંત્રીએ વિધાનસભામાં એમ કહ્યું કે, બધાંને સરકારી નોકરીઓ આપવી શક્ય નથી, સરકાર ભરતીમેળાઓ યોજે છે, જેમાં કોર્પોરેટ કંપનીઓ અને સ્થાનિક ઔદ્યોગિક એકમો બેરોજગારોને નોકરીઓ આપી રહ્યા છે. મંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં બેરોજગારીનો દર 2.2 ટકા હતો તે ઘટીને 1.7 ટકા રહ્યો છે.