Mysamachar.in: ગુજરાત
ટીવી ચેનલો અને અન્ય પ્રચાર પ્રસાર માઘ્યમો એક્ઝિટ પોલ આપે છે. મોટાભાગના લોકો માને છે કે, એક્ઝિટ પોલ પર ભરોસો ન રાખવો. ભરોસાની ભેંસ પાડો જણતી હોય છે. એક્ઝિટ પોલને વારતાઓ માનનારા લોકો વધુ એક વખત સાચાં સાબિત થયા અને એક્ઝિટ પોલ વધુ એક વખત વારતા સાબિત થઈ. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વખતે લોકસભા ચૂંટણીઓના મતદાન બાદ જાહેર થયેલાં એક્ઝિટ પોલને આધાર બનાવીને ભારતીય શેરબજારે અબજો રૂપિયાની ઉથલપાથલ કરી અને સૌને એમ મનાવવામાં આવ્યું કે, મોદી પરિણામોમાં વધુ મજબૂત બનીને બહાર આવશે. પરંતુ મંગળવારે એક્ઝિટ પોલની ભેંસે પાડો જણતાં, પરિણામોમાં મોદી નબળાં સાબિત થયા અને શેરબજારમાં લિટરલી કાળો દિવસ છવાયો, લાખો રોકાણકારોને અબજોનું નુકસાન થયું. એક અહેવાલ એવો પણ છે કે, સૌરાષ્ટ્રના રોકાણકારોએ મંગળવારના કાળા દિવસે રૂ. 2,00,000 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું.
એક્ઝિટ પોલ વારતાઓ સાબિત થઈ એ પહેલાં વડાપ્રધાન બોલ્યા હતાં કે, 4 જૂને એવી તેજી હશે કે- પ્રોગ્રામિંગવાળા થાકી જશે. અમિત શાહ એમ બોલ્યા હતાં કે, શેરોમાં જોરદાર તેજી આવવાની છે, 4 જૂન પહેલાં ખરીદી કરી લો. અને, દેશના નાણાંમંત્રી નિર્મલા ખુદ એમ બોલ્યા હતાં કે, ભાજપાની જિત નિશ્ચિત છે, અને તેથી શેરોમાં ધુંઆધાર તેજી દેખાશે. અને સૌ જાણે છે કે શેરબજારમાં 4 જૂન ઈતિહાસનો સૌથી કાળો દિવસ રહ્યો. આગલે જ દિવસે, તમામ એક્ઝિટ પોલ ગાજયા હતાં કે, મોદી વધુ મજબૂત બને છે.
એક્ઝિટ પોલની NDAને 400 બેઠકની આગાહી ખોટી પડતાં શેરબજાર સાથે દેશમાં પણ અપસેટ સર્જાયો. NDA 300 સુધી પણ પહોંચી શક્યું નહીં, સૌ હાંફી ગયા. એક એક્ઝિટ પોલનો માલિક તો 4 જૂને ટીવી ડિબેટમાં રડી પડ્યો, દેશવાસીઓએ આ રૂદન જોયું. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણીઓના સાત પૈકી પાંચ તબક્કાઓમાં મતદાન ઘટી ગયું. તો પણ એક્ઝિટ પોલવાળા મોટી મોટી વાતો કરતાં રહ્યા.
એક્ઝિટ પોલની પોલંપોલ 4 જૂને બહાર આવી ગઈ. બધાં એક્ઝિટ પોલ NDAને 350 કરતાં વધુ બેઠક આપતાં હતાં. તેથી લોકો સાથે રોકાણકારો પણ ભ્રમમાં રહ્યા. આ એક્ઝિટ પોલ વચ્ચે જિનિયા નામની રોબોટ ન્યૂઝ રીડર બોલી હતી કે, વિપક્ષ બળવાન બનશે. સરકારનું પુનરાવર્તન માંડ માંડ થશે. આ રોબોટ ન્યૂઝ રીડર મહદ્ અંશે સાચી પડી. આ રોબોટીક AI એક્ઝિટ પોલ હતો. માણસો ખોટાં સાબિત થયા, યંત્ર હકીકત સુધી પહોંચવામાં સફળ રહ્યું.
AI રોબોટીક પોલ માટે ફેસબુકની હજારો પોસ્ટનો આધાર લેવામાં આવેલો અને 10 કરોડ મતદારોના મંતવ્ય લઈ AI ને આપવામાં આવ્યા હતાં. ભારતમાં આ પ્રયોગ પ્રથમ વખત થયો, હવે પછીના સમયમાં આવા રોબોટ વધુ સચોટ આગાહીઓ કરી શકશે કેમ કે દિવસે દિવસે AI ટેકનોલોજી વધુ આધુનિક અને અસરકારક સાબિત થશે.