Mysamachar.in-અમદાવાદ:
અવાજ નુકસાન ન કરે પણ ઘોંઘાટ માણસ તથા પશુઓના, પ્રાણી પંખીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો નિપજાવી શકે છે, તેથી વરસો અગાઉ જ ખુદ સુપ્રિમ કોર્ટે સૌ સંબંધિતોને આદેશ આપેલો જ છે કે, ઘોંઘાટને પ્રતિબંધિત રાખવો. અચરજની વાત એ પણ છે કે, આ આદેશનો અમલ થતો નથી. રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ અગાઉ આ માટે નિયમો અને અવાજની તીવ્રતા અંગે સ્પષ્ટ સૂચનાઓ પણ આપેલી છે જ, જેનું કોઈ પાલન કરાવી શકતું નથી. હવે એક તરફ રાજ્યમાં ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે, રાજ્યમાં ઘોંઘાટને નિયંત્રિત કરવાની ગતિવિધિઓ અદાલતી આદેશ બાદ શરૂ થઈ છે. તંત્રો આ પ્રતિબંધ લાદે છે પણ તટસ્થ અને કડક રીતે અમલ થઈ શકશે ?! એવો પ્રશ્ન સપાટી પર આવ્યો છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઘોંઘાટ પરનો આ પ્રતિબંધ જાહેર કર્યો છે. જેને કારણે આ મુદ્દાઓ ચર્ચાઓમાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત લગ્ન સહિતના સામાજિક અને સંસ્થાકીય સમારોહોમાં નિયત માપથી વધુનો અવાજ ચલાવી લેવામાં આવશે નહીં. આ ચીમકીનો કડક અમલ થશે કે ચિમકી પોકળ પૂરવાર થઈ જશે ? આ પ્રશ્નનો જવાબ આગામી સમયમાં મળી જશે.
સરકારે કહ્યું છે કે, ડીજે સીસ્ટમ અને લાઉડસ્પીકર તેમજ સાઉન્ડ સિસ્ટમ સહિતના સાધનોમાંથી નીકળતો ઘોંઘાટ ચોક્કસ સાધનોથી નિયત માત્રામાં નિયંત્રિત કરવાનો રહેશે. સાઉન્ડ લિમિટ ફરજિયાત છે. આ અમલવારી માટે સંબંધિતોએ સમારોહના સાત દિવસ અગાઉ સ્થાનિક પોલીસ પાસેથી મંજૂરીઓ લેવાની રહેશે. અને, પોલીસે મંજૂરીઓ આપતી વખતે ફરજિયાત એ વાતની ખાતરી કરવી પડશે કે, જેમાંથી અવાજ બહાર આવે એ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ માટેનું સાધન ગોઠવવામાં આવ્યું છે કે કેમ ?
અત્રે ઉલ્લેખનિય છે કે, ઘોંઘાટ ઉત્પન્ન કરતી પ્રત્યેક સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ માટેનું સાધન લગાડવું ફરજિયાત છે એવું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 2019થી કહેલું છે, જેનો પાંચ વર્ષથી અમલ થતો નથી. આ પ્રકારની લિમિટ વિનાની સાઉન્ડ સિસ્ટમ જે વાહનમાં ગોઠવવામાં આવી હોય, એ વાહન પણ પોલીસ કબજે કરી શકે છે, એવી પણ જોગવાઈ છે છતાં બધું રગડધગડ ચાલે છે. હવે નહીં ચાલે. હવેથી પ્રતિબંધ.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ મુદ્દે એક વકીલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી ઘોંઘાટ અટકાવવા દાદ માંગી પછી, સરકારે અદાલતને ખાતરી આપવી પડી છે કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સૂચનાઓનો આ મામલામાં હવે અમલ કરાવવામાં આવશે. અને ત્યારબાદ આ પ્રતિબંધો લાગુ થયા છે.
અત્રે નોંધનીય છે કે, હોસ્પિટલ કે શાળાઓના વિસ્તારો એટલે કે સાયલન્ટ ઝોનમાં દિવસે 50 ડેસિબલ અને રાત્રે 40 ડેસિબલથી વધુ અવાજ કરી શકાય નહીં. ડેસિબલ અવાજની તીવ્રતા માપવાનું માપ છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે આ સાધનો હોય છે. રહેણાંક વિસ્તારમાં દિવસે 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલથી વધુ અવાજ કરી શકાય નહીં. કોમર્શિયલ વિસ્તારમાં દિવસે 65 અને રાત્રે 55 ડેસિબલથી વધુ અવાજ પર પ્રતિબંધ છે. અને એ રીતે ઔદ્યોગિક વિસ્તારમાં દિવસે 75 અને રાત્રે 65 ડેસિબલ સુધીનો જ અવાજ થઈ શકે. ઔદ્યોગિક વિસ્તારમાં કે કોમર્શિયલ વિસ્તારમાં રહેણાંક હોય કે સાયલન્ટ ઝોન હોય ત્યારે સ્થિતિ વિચિત્ર બની જતી હોય છે.
હાલમાં ચૂંટણીઓનો માહોલ શરૂ થવાની તૈયારીઓ છે, રાજકીય રેલીઓ, સરઘસો અને સભાઓના સ્થળ આસપાસ આ તમામ પ્રતિબંધોનો અમલ કેવી રીતે થઈ શકશે ? એ પ્રશ્નનો ઉત્તર આગામી સમયમાં જાણમાં આવી જશે. રેકર્ડ ઉભું કરવા પૂરતા કેસ થાય અને બાકી બધું અલગ રીતે ચાલતું રહે એવી સંભાવનાઓ વધુ છે. કારણ કે, અત્યાર સુધી સૌએ આવું બધું જોયેલું છે.