Mysamachar.in-અમદાવાદ:
દેશભરમાં ઘણી બધી મહિલાઓ વિરુદ્ધ ગુના થતાં હોય છે. ઘણી બધી મહિલાઓ એવી હોય છે જે પોલીસ સ્ટેશને ધક્કા ખાય પછી પણ તેણીની ફરિયાદ લેવામાં આવતી નથી. આ બધી જ કડાકૂટ નિવારવા સુપ્રિમ કોર્ટે એવો આદેશ કર્યો કે, કોઈ પણ મહિલાએ ફરિયાદ દાખલ કરાવવા પોલીસ સ્ટેશન જવું જ ન પડે- તે પ્રકારની ઓનલાઈન વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ.
સુપ્રિમ કોર્ટે દેશભરમાં ગુનાખોરીથી પીડિત મહિલાઓને પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં પડતી હાલાકીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મહિલા સુરક્ષા માટે ગાઈડલાઈન બનાવવાની માંગ સાથે જોડાયેલી એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટના 2 જસ્ટિસની એક ખંડપીઠે કેન્દ્ર સરકારને પૂછ્યું કે, આખરે ગુનાનો ભોગ બનેલી મહિલાને કેમ પોલીસ સ્ટેશન જવું પડે ? મહિલાઓની ફરિયાદ નોંધાવવા માટે દેશમાં ઓનલાઈન સિસ્ટમ કેમ નથી ?
કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે શું કાર્યવાહીઓ થઈ શકે, તેમાં કેવી રીતે સુધારો લાવી શકાય તેવી તમામ બાબતો સાથે 6 સપ્તાહમાં સોગંદનામું દાખલ કરવા અંગે સમય આપ્યો છે. અરજદારને તમામ રાજ્યોમાં મહિલાઓ, ખાસ કરીને મહિલા વકીલો પાસેથી આ મુદ્દે સૂચનો માગવાનો નિર્દેશ આપ્યો છે. સમસ્યાઓના ઉકેલો એકત્રિત કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યો છે.
આ અરજીમાં મહિલાઓની સુરક્ષા માટે ઓલ ઈન્ડિયા ગાઈડલાઈનની માંગ કરવામાં આવી છે. જેમાં જાહેર પરિવહનમાં મહિલાઓ સાથે સામાજિક વર્તનના નિયમો, મફત ઓનલાઈન અશ્લીલ કન્ટેન્ટ પર પ્રતિબંધ અને બળાત્કારીઓને નપુંસક બનાવવાની સજાની માંગ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, આ માટે એક કેન્દ્રીય એજન્સી હોવી જોઈએ, જ્યાં મહિલાઓ ઓનલાઈન ફરિયાદ મોકલી શકે. તે પણ નક્કી કરવું જોઈએ કે, આ ફરિયાદ પછી કયાંની પોલીસ અને ક્યુ પોલીસ સ્ટેશન આ ફરિયાદ સંબંધિત કાર્યવાહીઓ કરે. મથક અને તપાસ અધિકારીની સૂચના તમે પીડિતને આપો. 6 સપ્તાહ બાદ કોર્ટ આ મામલાની સુનાવણી હાથ ધરશે.