Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં વરસાદ ખેચાયાની સ્થિતિ વચ્ચે હવે સરકાર પણ એલર્ટ મોડ પર આવી ચુકી છે, આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે. તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહી, કેમકે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામા પીવાના પાણી માટે હાલ પૂરતો પૂરતા પ્રમાણમા જથ્થો ઉપલબ્ધ છે.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે સરદાર સરોવર યોજના દ્વારા રાજયના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનુ પાણી પૂરૂ પાડવામા આવી રહ્યુ છે અને લાખ્ખો ખેડૂતોને સિચાઈ માટે તથા લાખ્ખો પશુઓને પીવાનુ પાણી પૂરૂ પાડવામા આવી રહ્યુ છે. પરંતુ મધ્યપ્રદેશમા પણ ઓછો વરસાદ હોવાના પરિણામે નર્મદાના કમાન્ડ વિસ્તારમા પણ ઓછુ પાણી હોવાના લીધે સરદાર સરોવર ડેમમા પાણીનો જથ્થો ઓછો છે. તેમ છતાંય પીવાના પાણી માટે જથ્થો અનામત રાખીને ખેડૂતોને શકય એટલુ પાણી સિચાઈ માટે કેનાલો મારફત આપવામા આવી રહ્યુ છે. આમ રાજયના નાગરિકોને પીવાના પાણી અને ખેડૂતોને સિચાઈ માટે પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર સઘન કામગીરી કરી રહી છે.