Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષણના ક્ષેત્રમાં ખાનગી કોચિંગ ક્લાસનો વ્યાપ બહુ મોટો છે, જે સંબંધે અનેક ફરિયાદો મળતાં કેન્દ્ર સરકારમાંથી નવી ગાઈડલાઈન આવી છે. અને, આ નવી માર્ગદર્શિકા અનુસાર હવેથી રાજ્યમાં કયાંય પણ, 16 વર્ષ પૂર્ણ ન થયા હોય એવા કોઈ પણ છાત્રને ખાનગી કોચિંગ ક્લાસમાં પ્રવેશ આપી શકાશે નહીં. આ માર્ગદર્શિકાની અસર એ થશે કે, રાજ્યમાં હજારો કોચિંગ ક્લાસને તાળાં લાગી જશે. જો સ્થાનિક કક્ષાએ આ માર્ગદર્શિકાનો કડક અમલ થશે તો.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોઈપણ પ્રકારના નિયંત્રણ વિના હજારો ખાનગી કોચિંગ ક્લાસ ધમધમે છે. આ વ્યવસાય પર નિયંત્રણ રાખવાના આશયથી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો માટે રેગ્યુલેશન ઓફ કોચિંગ સેન્ટર- ગાઈડલાઈન,2024 તૈયાર કરી, જાહેર કરી છે. અને તેના અમલ માટે સૂચનાઓ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખાનગી કોચિંગ સંસ્થાઓ આડેધડ અને ઉંચી ફી વસૂલે છે. આવી સંસ્થાઓને કારણે ઘણાં છાત્રો પર ભણવા સંબંધે માનસિક તણાવ સર્જાતું હોય છે. ઉપરાંત આવી ઘણી સંસ્થાઓ વિવિધ પ્રકારની ગેરરીતિઓમાં પણ સંડોવાયેલી જોવા મળતી હોય છે. કેટલીક સંસ્થાઓ આગ વગેરે જેવી સુરક્ષાની બાબતો પ્રત્યે બેદરકારીઓ દાખવતી હોય છે. આ પ્રકારના વિવિધ અહેવાલોનો અભ્યાસ કરી, સરકારે આ માર્ગદર્શિકા જાહેર કરી છે.
સરકારે એમ પણ કહ્યું છે કે, વાલીઓ અથવા છાત્રો ગેરમાર્ગે દોરવાઈ જાય તેવી શિક્ષણ સંબંધિત જાહેરાતો પણ આપી શકાશે નહીં. જે શિક્ષક સ્નાતક ન હોય તેને આ સંસ્થાઓમાં શિક્ષક બનાવી શકાશે નહીં, તેની શૈક્ષણિક લાયકાત વેબસાઈટ પર મૂકવાની રહેશે. આ ગાઈડલાઈન અમલમાં આવ્યાના 90 દિવસમાં તમામ કોચિંગ સંસ્થાઓએ સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ માર્ગદર્શિકા કહે છે: કોચિંગ ક્લાસ પર નજર રાખવાની જવાબદારીઓ રાજ્ય સરકારે નિભાવવાની રહેશે. છાત્રોને વીકલી એક રજા આપવાની રહેશે. રેન્ક અથવા માર્કની ગેરંટી આપતી જાહેરાત પ્રત્યક્ષ કે પરોક રીતે કયાંય પણ આપી શકાશે નહીં. સંપૂર્ણ ફી ભરી દીધી હોય એવો વિદ્યાર્થી કોર્સ અથવા ક્લાસ છોડવા ઈચ્છે તો 10 દિવસની અંદર તેને કલાસીસે ફી પરત આપવાની રહેશે.
આ ગાઈડલાઈનમાં વધુમાં કહેવાયું છે કે, વિદ્યાર્થીઓ-વાલીઓ કે શિક્ષક ફરિયાદ કરી શકે તે માટે રાજ્ય સરકારે એક ઓથોરિટીની રચના કરવાની રહેશે. ઓથોરિટીએ 30 દિવસમાં આવી ફરિયાદોનો નિકાલ કરવાનો રહેશે. સ્કૂલમાં ભણતાં હોય એવા વિદ્યાર્થીઓને સ્કૂલના સમયે આ ખાનગી કોચિંગ ક્લાસમાં બોલાવી શકાશે નહીં. પરિવાર સાથે છાત્રોનો નાતો જળવાઈ રહે તે માટે છાત્રોને કસ્ટમાઈઝ રજા આપવાની રહેશે. જો ખાનગી કોચિંગ સંસ્થાઓ આ જોગવાઈના ભંગનો ગુનો કરતી સાબિત થશે તો, તેને રૂ. એક લાખ સુધીનો દંડ કરી શકાશે, તેનું રજિસ્ટ્રેશન રદ્દ થઈ શકશે. અત્યંત ઉંચી ફી, છાત્રને માનસિક તણાવ હેઠળ રાખવા, વગેરે ગુનાઓ આ યાદીમાં સમાવિષ્ટ છે.