Mysamachar.in:જામનગર:
વાત જામનગરની હોય કે પછી ગુજરાતના કોઈ પણ પંથકની, ખનિજચોરીનો બેનંબરી ધંધો દાયકાઓથી ભ્રષ્ટ અધિકારીઓ અને નઠારા નેતાઓને કારણે કાયમ ધમધમતો રહ્યો છે. થોડાં થોડાં સમયે જુદાં જુદાં સ્તરેથી થતી કાર્યવાહીઓની ખબરો આવતી રહે છે, જે એક અર્થમાં બેમતલબ એટલાં માટે હોય છે કેમ કે, આ પ્રકારની કહેવાતી કાર્યવાહીઓ દારૂ જૂગારના કેસો જેવી ફાલતૂ હોય છે, ખનિજમાફિયાઓનો વાળ સરકાર પણ કયારેય વાંકો કરી શકતી નથી. આવો વધુ એક બનાવ કુખ્યાત પંથક જોડિયામાં નોંધાયો છે. જેમાં છરીબાજી પણ થઈ છે.
જામનગર જિલ્લાનો જોડિયા પંથક હાલારના અન્ય કેટલાંક પંથકો માફક ખનિજચોરીમાં કુખ્યાત છે. અહીં આ ધંધો દાયકાઓથી ચાલે છે. ફાંકા ફોજદારી કરનારાઓ આ માફિયાગીરીને નાથી શકતા નથી. તાજેતરમાં ખનિજ વિભાગની એક ફ્લાઇંગ સ્કવોડ રાજકોટથી છેક જોડિયા તાલુકાના ભાદરા પંથકની નદીના પટમાં પહોંચી. જ્યાં કાર્યવાહીઓના નામે ચાર ડમ્પર કબજે લેવાયાનું દેખાડવામાં આવ્યું. કોઈ ખનિજમાફિયાના કોલર સુધી કાયદાનો લાંબો હાથ આવા પ્રકરણોમાં પહોંચતો નથી. માત્ર વાહનોના ફોટા પડાવી અધિકારીઓ ખોંખારા ખાતા રહે છે.
ફ્લાઇંગ સ્કવોડ દ્વારા આ કામગીરીઓ ચાલી રહી હતી એ દરમિયાન, ગોકળભાઈ વહાણભાઈ વરૂ નામનો એક યુવાન ત્યાં આ કામગીરીઓના ફોટા પાડી રહ્યો હતો અને વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. આ સમયે આ યુવાન પર હુમલો થયો. છરીબાજી થઈ. યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઈજાગ્રસ્ત યુવાને કેટલાંક શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં હુમલાખોર આરોપીઓ તરીકે જોડિયાના યોગેશ ગોઠી, બાદનપરના જિગો ઘેટીયા, રમીલાબેન લીઝ હોલ્ડરનો છોકરો, હીટાચી મશીનવાળો દરબાર અને આશરે 30 વર્ષનો એક અજાણ્યો શખ્સ- એમ કુલ પાંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ કહે છે, યોગેશ અને જિગો નામના શખ્સોએ છરીથી હુમલો કર્યો. તે બંનેની પાસે છરી હતી. રમીલાબેન લીઝ હોલ્ડરના છોકરાએ લાકડાના ધોકા વડે ફરિયાદીને માર મારી ફ્રેક્ચર કરી દીધું છે. હીટાચી મશીનવાળા દરબારે લોખંડના પાઇપ વડે માર મારેલો. ત્રીસેક વર્ષના અજાણ્યા હુમલાખોરે લાકડાના ધોકા વડે માર માર્યો છે, એવું ફરિયાદમાં જણાવાયું છે. હુમલાખોરોએ આ ફરિયાદીના 3 મોબાઇલ ફોન તોડી નુકશાની પહોચાડયુ હતું જેની કુલ કિંમત રૂ. 3.60 લાખ થવા જાય છે. ઈન્ચાર્જ પીએસઆઈ પી.જી. પનારા આ ફરિયાદની તપાસ ચલાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લાની મુખ્ય ખાણખનિજ કચેરી થોડા થોડા સમયે, અમારાં વિભાગે સરકારને વર્ષ દરમિયાન આટલાં કરોડની આવક કરાવી આપી એવી ફાંકા ફોજદારી કરી રહી છે. હકીકત એ છે કે, આ ખાણખનિજ કચેરી હેઠળના વિસ્તારોમાં ખનિજ માફિયાગીરી પર તંત્રનો કોઈ અંકુશ નથી, રાતદિવસ ખનીજચોરી ધમધમતી રહે છે. ચેક પોસ્ટ અને રાજકોટ તથા ગાંધીનગર ટીમો દ્વારા થતી કાર્યવાહીઓની ખબરો પણ વારતાઓ સાબિત થતી રહે છે, હકીકત એ છે કે, ખનિજ માફિયાઓનો હાથ હંમેશા ઉપર જ રહે છે. આવા મામલાઓમાં પોલીસ પણ કયારેય, કોઈ પરાક્રમ નોંધાવી શકતી નથી.(file image)