Mysamachar.in:જામનગર:
સરકાર અને સરકારી વિભાગોની એક વિશિષ્ટ ખાસિયત હોય છે, ફાલતૂ અથવા સામાન્ય બાબતોમાં સૌ સત્તાવાર રીતે ડહાપણ ડહોળે, પત્રકાર પરિષદ યોજે, અખબારી નિવેદનો અને યાદીઓ બહાર પાડે પરંતુ મામલો જ્યારે સંવેદનશીલ હોય, એક એક નાગરિક કોઈ ચોક્કસ મુદ્દે સરકાર અથવા સરકારના કોઈ વિભાગનો સ્પષ્ટ અભિપ્રાય જાણવા ઈચ્છતો હોય ત્યારે, પૂંછડી બે પગ વચ્ચે દબાવેલા શ્વાન જેવી સ્થિતિ સર્વત્ર જોવા મળતી હોય છે, સૌ મોઢામાં મગ ભરી બેસી જાય- ખાસ કરીને જેતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના પ્રવકતાઓ.
દાખલા તરીકે: સ્માર્ટ વીજમીટરનો મામલો. રાજ્યમાં મુખ્યમંત્રી છે, ઉર્જા મંત્રી છે, ઉર્જા સચિવ છે, પીજીવીસીએલના MD છે અને પ્રદેશ ભાજપાના અધ્યક્ષ પણ છે. લોકોમાં અને પ્રચાર પ્રસાર માધ્યમોમાં સ્માર્ટ વીજમીટર મુદ્દે આટલો ઉહાપોહ ચાલી રહ્યો છે ત્યારે, આ સૌ સ્માર્ટ કહેવાતા મહાનુભાવો મૌન શા માટે ?! એક એક નાગરિક સત્તાવાર નિવેદન ઈચ્છે છે, પ્રશ્નોના જવાબો ચાહે છે. પરંતુ સૌ મૌન.

સરકારો અને સરકારી વિભાગો તમને લૂ ન લાગે તે માટે આખી બાંયના વસ્ત્રો પહેરવાની સલાહ આપે, સાદું પાણી વારંવાર પીવાની સલાહુ આપે, પતંગ ઉડાવતી વખતે તમારી દોર વીજવાયરને અડકી ન જાય તે ધ્યાન આપવાની સલાહ આપે, અથવા તો પતંગ ઉડાવતી વખતે ચકલાં કે અન્ય કોઈ પક્ષીને ઈજાઓ ન થાય તે જોવા સલાહ આપે. પરંતુ આ પ્રકારના સલાહ બહાદુરો આટલાં દિવસથી સ્માર્ટ વીજમીટર મુદ્દે મૌન છે !! જામનગરની વાત કરીએ તો, હજુ સુધી PGVCL ની રાજકોટ કોર્પોરેટ કચેરીએથી સ્માર્ટ વીજમીટર મુદ્દે કોઈ જ સત્તાવાર સ્પષ્ટતાઓ આવી નથી. MD વેકેશન માણવા સ્વીત્ઝરલેન્ડ ગયા છે ? તેઓને ખબર નથી? કે સૌરાષ્ટ્ર-કચ્છમાં આટલો ઉહાપોહ શેનો છે ?

જામનગરમાં વીજતંત્રના સ્ટાફના ઘરે, જાહેરમાં ટ્રાન્સફોર્મર પર તથા જ્યાં વિવાદ ન હોય તેવા રહેણાંક મકાનોમાં સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ ચાલુ છે. જ્યાં વીજ ગ્રાહક પ્રશ્નો ઉભા કરે ત્યાં સ્માર્ટ વીજમીટર સાથે ચેક સાદું મીટર પણ લગાડી આપે છે. બંને મીટરના રિડિંગની પણ નોંધ લેવાઈ રહી છે. પરંતુ આ બધું સ્થાનિક અધિકારીઓના વિવેક મુજબ જ, વડી કચેરીએથી કોઈ પણ પ્રકારની સત્તાવાર સૂચનાઓ વીજતંત્રને આપવામાં આવી નથી. જાણે કે રાજ્યમાં આ પ્રકારના મુદ્દે કોઈ
‘જવાબદાર’ છે જ નહીં ! અને, સ્માર્ટ વીજમીટર લગાવવાની દિલ્હ અથવા ગાંધીનગરથી લેખિત સૂચનાઓ કોણે આપી ? તેની પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતાઓ જાહેર થઈ નથી. બધું જ ગોળ ગોળ. જાણે કે બધું જ રામભરોસે ચાલી રહ્યું છે.
