Mysamachar.in-જામનગર:
ચૂંટણીઓ અને નાણાંની છોળો ઉડવી એ આમ તો સામાન્ય માણસની સમજમાં આવે તેવો વિષય છે. કારણ કે, પૈસો પાણીની માફક વહેતો હોય ત્યારે ઘણાં ગળાની તરસો છીપાતી હોય, આ બધી વિગતો સમાજમાં જનસામાન્ય સુધી પહોંચતી હોય જ છે. પરંતુ સરકારી તંત્ર એટલે કે, ચૂંટણીતંત્ર ચૂંટણીઓ દરમિયાનના ખર્ચ અંગે ઘણી બાબતોની જાહેરાત કરતું હોય છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ લોકસભા ચૂંટણીઓ માટેનો માહોલ છેલ્લાં ઘણાં દિવસોથી ગોઠવાઈ ગયો છે. ધૂમ પ્રચાર પણ ચાલી રહ્યો છે. જો કે, રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષો પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરી દેશે, બાદમાં થનાર ચૂંટણીખર્ચ પર ચૂંટણીતંત્ર ‘નજર’ રાખશે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝેડ.વી.પટેલએ જણાવ્યું છે કે, જામનગર લોકસભા મત વિસ્તાર માટેના ઉમેદવારોના ચૂંટણીખર્ચની વિગતો એકત્ર અને સંકલિત કરવાની જવાબદારીઓ નોડલ અધિકારીઓ તરીકે DDO અને જિલ્લા તિજોરી અધિકારી બજાવી રહ્યા છે. લોકસભા ઉમેદવાર માટેની ખર્ચ મર્યાદા ચૂંટણીપંચ દ્વારા રૂ. 95 લાખ નક્કી કરવામાં આવી છે.
રાજકીય પક્ષો માટે ચૂંટણીખર્ચની કોઈ જ મર્યાદાઓ હોતી નથી. પાર્ટી પોતાનો પ્રચાર છૂટથી કરી શકે છે, અને ઉમેદવાર સંબંધિત પ્રચાર માટે પણ ખર્ચ કરી શકે છે. અને, ચૂંટણીઓ પૂર્ણ થઈ જાય તેના 45 દિવસની અંદર પક્ષોએ પોતાનો ખર્ચ ચૂંટણીતંત્ર સમક્ષ રજૂ કરવાનો હોય છે. જેમાં બે આંકડાઓ હોય છે. પક્ષે કરેલો ખર્ચ અને પક્ષે ઉમેદવાર માટે કરેલો ખર્ચ.
જામનગર લોકસભા બેઠક માટે ચૂંટણીપંચ દ્વારા ખર્ચ નિરીક્ષક તરીકે અવિજીત મિશ્રાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ તમામ ખર્ચનું નિરીક્ષણ કરશે અને ઉમેદવાર, પક્ષ તથા ચૂંટણીતંત્ર દ્વારા નિભાવવામાં આવેલાં હિસાબો પર નજર રાખશે. ખર્ચ સંબંધિત ફરિયાદો પણ સાંભળશે. તેઓ સર્કીટહાઉસ ખાતે રોકાશે અને તેમનો સીધો જ સંપર્ક કરવા માટે તંત્ર દ્વારા મો.નં. 94773 31752 જાહેર કરવામાં આવ્યો છે.