Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરે ધ્વજારોહણનું અનેરૂં મહત્વ છે. ગુજરાતભરમાં અને દેશવિદેશમાં ભાવિકો ધ્વજારોહણનાં ધર્મલાભ માટે આતુર રહેતાં હોય છે, અને દરરોજ ચઢતી 5 ધ્વજાઓ અંગે લાંબુ વેઈટીગ લીસ્ટ છે, યજમાન પરિવારો દ્વારા ખૂબ જ ધામધૂમથી આ ધર્મમય પ્રસંગની ઉજવણીઓ પણ થતી હોય છે. છેલ્લાં કેટલાંક દિવસોથી જગતમંદિરે દરરોજ પાંચ ધ્વજા કે છ ધ્વજા ? તે અંગે ભાવિકોમાં ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે.
વાવાઝોડા દરમિયાન જે ધ્વજા ચઢાવવાની પેન્ડિંગ હોય તે પૈકીની ધ્વજાજીઓ ચઢાવવા માટે પંદર દિવસ પૂરતો એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ પેન્ડિંગ ધ્વજાઓ માટે પંદર દિવસ સુધી દરરોજ છ ધ્વજા ચઢાવવામાં આવશે. આ નિર્ણય પેન્ડિંગ ધ્વજાઓ પૂરતો જ છે. જે બાદ કાયમી ધોરણે રાબેતામુજબ જ 5 ધ્વજાઓ ચઢાવવામાં આવશે.
જગતમંદિરે કાયમી ધોરણે દરરોજ કેટલી ધ્વજા ચઢાવવામાં આવશે ? પાંચ કે છ ? આ પ્રકારની પ્રશ્નોતરી આજે બુધવારે સવારે દેવભૂમિ દ્વારકા કલેકટર અશોક શર્મા સાથે માય સમાચાર ડોટ ઈન દ્વારા કરવામાં આવી હતી. તેઓએ આ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું છે કે, કાયમી ધોરણે દરરોજ કેટલી ધ્વજા ચઢાવવી ? તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ દરરોજ 5 અને એક વાવાઝોડા સમયની બાકી રહેલ એમ 6 ધ્વજા ચઢાવવામાં આવી રહી છે. આ અંગે કોઈ નવો નિર્ણય લેવામાં આવશે ત્યારે તે નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જેતે સમયે મંદિરનાં શિખર પર ધ્વજા આરોહણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ હંગામી ધોરણે હાલ દૈનિક છ ધ્વજા ચઢી રહી છે. ધ્વજા આરોહણ નોંધણી પ્રક્રિયા રાબેતા મુજબ ચાલી રહી છે. જેમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કાયમી ધોરણે દૈનિક ધ્વજાજીની સંખ્યા વધારવામાં આવશે તો અલબત્ત ભાવિકોમાં ખુશી જોવા મળશે તે સમજી શકાય તેવી બાબત છે. પરંતુ હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અત્રે એ પણ નોંધનીય છે કે, જગતમંદિરે ધ્વજાજી માટેનું વેઈટીંગ લિસ્ટ કાયમ માટે લાંબુ જ રહે છે.